- ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવાયો નિર્ણય,
- પ્રેકટિશનરો નિયમોનું ઉલ્લંધન કરશે તો લાયસન્સ સસ્પેન્ડ,
- મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
અમદાવાદઃ વિદેશમાં તબીબીને અભ્યાસ કરીને પરત ફરતા વિદ્યાર્થીઓ એમસીઆઈની પરીક્ષા આપીને પ્રેક્ટિસ કરતા હોય છે. ભારતમાં એમબીબીએસ સમકક્ષ કોર્ષને વિદેશમાં એમડી ફિઝિશિયન અથવા તો ડોક્ટર ઓફ મેડિસન ગણવામાં આવે છે, એટલે વિદેશથી જે વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવીને આવે છે તે એમબીબીએસ સમકક્ષ ડિગ્રી હોવા છતાંયે એમડી ફિઝીશિયન લખાવતા હોય છે. આથી ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા એક અગત્યની નોટિસ જાહેર કરવામાં આવી છે. હવેથી વિદેશમાં MBBS કરીને આવેલા ડોક્ટર્સે M.D. “PHYSICIAN” કે ડોક્ટર ઓફ મેડિસિન નહીં પણ ફરજિયાત MBBS જ લખવું પડશે. જો નિયમનું પાલન નહીં કરે તો તેની સામે લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશમાં MBBS સમકક્ષ ડિગ્રી મેળવીને આવતા કેટલાક ડોકટર્સ પોતે એમડી ફિઝિશિયન અથવા ડોક્ટર ઓફ મેડિસિન લાયકાત લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, આવા તમામ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટસ (FMGs)એ ફક્ત એમબીબીએસ જ લખવાનું રહેશે. અન્યથા તેમના વિરુધ્ધ નેશનલ મેડીકલ કમિશન/ ગુજરાત મેડીકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રેકટીસ કરતા તમામ એલોપેથિક ડોકટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડીકલ સર્ટીફીકેટ વગેરે પર તેઓને મેડીકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા લાયસન્સ નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે. તેમજ તમામ એલોપેથિક ડોકટરોએ ગુજરાતમાં પ્રેકટીસ કરવા ગુજરાત મેડીકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજીયાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ હોય છતાં ગુજરાતમાં પ્રેકટીસ કરવા માટે ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે.
ગુજરાત મેડીકલ કાઉન્સિલના કહેવા મુજબ ગુજરાતમાં પ્રેકટીસ કરતા કેટલાક સ્પેશિયાલિસ્ટ/સુપર-સ્પેશિયાલિસ્ટ ડોકટરો ગુજરાત મેડીકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજીસ્ટ્રેશન/ લાયસન્સ ધરાવે છે. પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD/ MS જેવી સ્પેશિયાલિટી કે MCH/ DM જેવી સુપર સ્પેશિયાલિટી ડીગ્રીનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લીધેલ નથી, તો આવા ગુજરાતમાં પ્રેકટીસ કરતા ડોકટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી ડીગ્રીનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોવાથી સત્વરે કરાવી લેવું. અન્યથા નેશનલ મેડીકલ કમિશન/ ગુજરાત મેડીકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.