નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરી વધવાની સાથે આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદને સમર્થન કરનાર પાકિસ્તાન સામે આતંકવાદીઓએ હવે હથિયાર ઉઠાવ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના ડરબનમાં આતંકવાદીઓએ હુમલો કર્યાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ફ્રન્ટિયર કોર્પ્સના 11 પાકિસ્તાની સૈનિકોના મોતના થયાનું જાણવા મળે છે. જ્યારે 3 અન્ય ઘાયલ થયા છે. આ હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ પોસ્ટ ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીની હતી. દરમિયાન ટીટીપીએ આ હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, હુમલા બાદ તરત જ સૈનિકોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરોને પકડવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે હજુ સુધી કોઈ સફળતા મળી નથી. સ્થાનિક પોલીસ અને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી છે. ટીટીપી પહેલા પણ પાકિસ્તાનમાં ઘણા આતંકી હુમલા કરી ચુકી છે. પાકિસ્તાન સરકાર સતત અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર ટીટીપીને આશ્રય આપવાનો આરોપ લગાવી રહી છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે ઘણા સંઘર્ષો થયા છે.