- એક જ દિવસમાં મગફળીની દોઢ લાખ ગુણીની આવક,
- મગફળીના 20 કિલોના ભાવ રૂ.600 થી રૂ.1200 સુધીના ભાવ બોલાયા,
- ખેડુતોને મુશ્કેલી ન પડે તે માટે યાર્ડ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ
રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં દિવાળીની રજાઓ પડે તે પહેલા ખેડુતો ખરીફ પાકને વેચવા માટે યાર્ડ્સમાં આવી રહ્યા છે. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે 1200થી વધુ વાહનો અને 5 થી 6 કી.મી. લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી..યાર્ડમાં અંદાજે મગફળીની 1.50 લાખ કરતા વધુ ગુણીની અને અત્યાર સુધીની સિઝનની સૌથી વધુ આવક થઈ હતી.
સૌરાષ્ટ્રમાં ખરીફ પાકની સીઝન પુરી થતાં ખેડુતો રવિવાકના વાવેતરના કામે જોતરાયા છે. ખરીફ પાક યાર્ડમાં વેચીને દિવાળીના તહેવારો સારી રીતે મનાવી શકાય તે માટે ખેડુતો કપાસ, મગફળી સહિત પાકને વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ યાર્ડ આવકની દષ્ટ્રિએ સૌથી મોટુ યાર્ડ ગણાય છે. ત્યારે ગોંડલ યાર્ડમાં મગફળી વેચવા માટે ગામ-પરગામથી ખેડુતો આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં મગફળીની આવકની જાહેરાત થતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને સવારથી જ યાર્ડની બહાર આવી પહોંચ્યા હતા અને મોડી રાત્રીના જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. મગફળીની જણસીની આવક દરમિયાન ખેડૂતોને તકલીફ ન પડે અને મગફળી વ્યવસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તેને લઈને યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. યાર્ડના છાપરા નીચે ઉપરાંત મરચાના ગ્રાઉન્ડમાં મગફળીની જણસી ઉતારવામાં આવી હતી.
યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગોંડલ યાર્ડ મગફળીનું હબ ગણાય છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીની રજાઓ આવતી હોય તેને લઈને મગફળીની સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી. મગફળીની હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂ.600 થી રૂ.1200 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂ.700 થી રૂ.1700 સુધીના ભાવ બોલાયા હતા. તહેવારોની રજાઓ શરૂ થાય તે પહેલાં રોકડી કરવા ખેડૂતો મગફળી લઇ યાર્ડ પહોંચી જતાં પરિસર જાણે ટૂંકું પડ્યું હતું.