- કોન્ટ્રાક્ટરે ડિપોઝિટ પરત માગતા આરોપીએ લાંચની માગણી કરી હતી.,
- અગાઉ ફરિયાદીએ રૂપિયા 90 હજાર લાંચપેટે આપ્યા હતા,
- RFO લાંચમાં પકડાતા શેત્રુંજી ડિવિઝનમાં સન્નાટો
અમરેલીઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવમાં રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ સહિત કરાર આધારિત કર્મચારી રૂ.2 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયા હતા. આ બનાવથી શેત્રૂજી ડિવિઝનમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
અમરેલી જિલ્લામા આવેલી અને પાલીતાણા શેત્રુંજી હેઠળ આવતી રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ સહિત કરાર આધારિત કર્મચારી રૂ.2 લાખની લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી સપાટો બોલાવતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ એક કોન્ટ્રાક્ટરનો રાજુલા રેન્જ ફોરેસ્ટ વિભાગમાં સિવિલ બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજુર થયેલો હતો જેમાં ડિપોઝીટ પેટે રૂપિયા 5,00,000(પાંચ લાખ) જમા કર્યા હતા કોન્ટ્રાક્ટરનું કામ પૂર્ણ થતાં ફરિયાદીએ આર.એફ.ઓ.ને ડિપોઝીટની રકમ છૂટી કરવા માટે વિનંતી કરી હતી. જે ડિપોઝીટની રકમ છૂટી કરવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જે કામ કર્યું હતું તેના કમિશનની ટકાવારી પેટે અને બંને કામના સાથે મળી રૂપિયા 10,00,000 (દસલાખ)ની લાંચની માંગણી કરી હતી અને અગાઉ ફરીયાદીએ રૂપિયા 90,000 આપ્યા હતા આમ છતાં લાંચની રકમની માંગણી ચાલુ રાખી હતી. જાગૃત ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા તેમણે એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકુ ગોઠવી લાંચના છટકા દરમિયાન આરોપી આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર કર્મચારી વિસ્મય દિનેશભાઈ રાજ્યગુરૂએ બનેએ લાંચના નાણા સ્વીકારી રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એસીબીએ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
જૂનાગઢ એસીબી ડી.વાય.એસ.પી. જી.વી.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ એસીબી.પી.આઈ.ડી.આર.ગઢવી અને એસીબી ટીમ દ્વારા રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જ કચેરીમા રંગે હાથે ભ્રષ્ટાચારી આરોપીને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોંધી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના આર.એફ.ઓ.એસીબીના રંગે હાથે ઝડપી પાડી એસીબીએ સપાટો બોલાવતા સમગ્ર શેત્રુંજી ડિવિઝનમા ફફડાટ ફેલાયો છે.