નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ કેનેડાની સરકારે PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કેનેડામાં રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને પંજાબીઓ અને ગુજરાતીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી.
વર્ષ 2023માં ટ્રુડો સરકારે જાહેરાત કરી હતી કે વર્ષ 2024માં 5 લાખ લોકોને પી.આર. આપવામાં આવશે, પણ તેમાં હવે ત્યાની સરકારે અચાનક યુટર્ન લીધો છે. જેણે કારણે કેનેડામાં રહેતા અનેક ભારતીયો અને ગુજરાતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. તો હજારો વિદ્યાર્થીઓની આશાઓ પાણી ફરી વળ્યું છે.હાલમાં કેનેડામાં સંઘર્ષ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ પી.આર.ની રાહમાં બેઠા હોવાથી એક આશા સાથે કામ કરી રહ્યા હતા. જેના પર હવે પાણી ફરી વળ્યું છે.
હાલમાં કેનેડિયન સરકાર દ્વારા ઈમિગ્રેશનનો ટાર્ગેટ 3 લાખ સુધીનો જ છે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ વાતને પુષ્ટી આપી છે. છેલ્લા 3 વર્ષમાં થઈ રહેલા પી.આરના ઘટાડાને કારણે કેનેડામાં સ્કીલ વર્કરની સંખ્યામાં 60 ટકા જેટલો ઘટાડો થશે. ફેમિલી રિયુનિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત પણ 20,000 અરજીઓનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પર્મનેન્ટ રેસીડેન્સીની સાથે ટેમ્પરરી રેસેડેન્ટ લેવલમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે કેનેડાની અર્થ વ્યવસ્થા પર ચોક્કસથી નકારાત્મક અસર પડી શકે છે. ઉપરાંત ઘણી બધી સેવાઓમાં સ્કીલ વર્કરની જરૂરિયાતો છે તેની અછત પડશે તેવું નિષ્ણાતોનું માનવું છે. સરકારના આ નિર્ણયની ઈમિગ્રેન્ટ્સ પર કેવી અસર પડી છે જાણવા કેનેડાની ત્રુડો સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે 65 ટકા સ્થાનિક નાગરિકોએ ઈમિગ્રેન્ટ્સ પ્રત્યે નારાજગી દાખવી છે.
મોટા ભાગના લોકોએ વધારે પડતાં ઈમિગ્રેન્ટ્સ હોવાનું જણાવતા કેનેડિયન સરકારે અચાનક પી.આર. અરજીઓમાં ઘટાડો કરીને યુટર્ન લીધો છે. હાલમાં પી.આર. અરજીઓની મર્યાદા 4,85,000 હતી તે ઘટીને વર્ષ 2025માં 3,95,000 થઈ છે. વર્ષ 2026માં સરકાર દ્વારા આ ઈન્ટેક કટ 3,80,000નો રહેશે અને વર્ષ 2027માં 3,65,000 રહેશે. હમણાં હમણાં છેલ્લા છ મહિનામાં આ ત્રીજી વારનો સુધારો કેનેડામાં રહેતા અને કેનેડા જવાની તૈયારી કરતાં ભારતીય સ્કીલ વર્કરો માટે ચોંકાવનારો છે.
દર વર્ષે ગુજરાતમાંથી હજ્જારો વિદ્યાર્થીઓ પોતાની કરિયર બનાવવા માટે કેનેડા જાય છે. હાલ ત્યાં રહેવા અને જોબની વિવિધ સમસ્યાઓ પ્રવર્તી રહી છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ પી.આર.ની આશાએ ત્યાં સહન કરીને રહી રહ્યા છે. ત્યારે આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યા છે.