- રાજસ્થાનના રણ પ્રદેશ પરથી આવતા પવનને લીધે ગરમીમાં વધારો,
- હજુ 5 દિવસ બપોરના ટાણે ગરમીનો અનુભવ થશે,
- અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યુ
અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હાલ બપોરના ટાણે લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત શહેરોમાં હાલ ઉષ્ણતામાનનો પારો 36 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 5 દિવસ આ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે કે, દિવાળી ગરમીમાં પસાર કરવી પડશે. ત્યાર બાદ એટલે કે, નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ ઠંડીનો પ્રારંભ થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ બે ઋતુનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી અને રાત્રે ઠંડી, જો કે ગામડાંઓમાં રાતના સમયે ઠંડીને ચમકારો અનુભવાય છે, પરંતુ શહેરોમાં રાતનું તાપમાન પણ સરેરાશ કરતા વધુ હોય છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. હાલ દિવાળી સુધી દિવસના તાપમાનમાં ખાસ કોઈ વધઘટ થશે નહીં. ચાર દિવસ બાદ કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી ઘટી શકે છે. જોકે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી લોકોને ગરમીમાં શેકાવું પડશે. કારણ કે, હાલમાં ગુજરાત પર જે પવન આવી રહ્યા છે તે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ આવી રહ્યા છે. એટલે કે, પાકિસ્તાન અને રાજસ્થાનના રણપ્રદેશમાં થઈને આ પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેને કારણે દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે અને વહેલી સવારે અંશત: ઠંડક અનુભવાય રહી છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો હોવાથી દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અહેસાસ થશે. જોકે હજુ પણ આગામી 4 દિવસ તાપમાનમાં ખાસ કોઈ વધઘટ થશે નહીં.