1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવતી ચીટર ગેન્ગના 12 શખસો પકડાયા
ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવતી ચીટર ગેન્ગના 12 શખસો પકડાયા

ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવતી ચીટર ગેન્ગના 12 શખસો પકડાયા

0
Social Share
  • અમદાવાદના નારણપુરા પોલીસને મળી સફળતા,
  • પોલીસે પરપ્રાંતમાં જઈ આરોપીઓને દબોચી લીધા,
  • માસ્ટર માઈન્ડ હજુપણ પોલીસ પકડથી દુર

અમદાવાદઃ દેશભરમાં સાઈબર ક્રાઈમના બનાવો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગઠિયોઓ અવનવી તરકીબો અપનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે. હવે તો સાબીઆઈ કે કેન્દ્રિય એજન્સીઓના નામે લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડવવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના નારણપુરામાં રહેતી એક યુવતીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને 4.92 લાખ પડાવી લીધા હતા. આ બનાવની યુવતીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નારણપુરા પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી લોકોના લાખો રૂપિયા પડાવનાર ગેંગના ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓને દબોચી લીધા છે.

સાબર માફિયાઓએ અમદાવાદના નારણપુરામાં રહેતી એક યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવી લીધા બાદ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. આરોપીઓએ સમગ્ર દેશમાં અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની શક્યતા છે.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી એક યુવતીને 13થી 14મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ યુવતીને કહ્યું હતું કે, થાઇલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદી જુદી એજન્સીઓનાં બનાવટી કાગળો બતાવ્યાં હતાં અને ફરિયાદીની વિગતોની પીડીએફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા આરબીઆઇમાં જમા કરાવવા પડશે. વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા. આરોપીઓએ યુવતી પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ બર્થ માર્ક જાણવા માટે કપડાં ઉતારવા માટે પણ કહ્યું હતું. જો કે, યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

આ સમગ્ર કેસમાં પોલીસે ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચાઈનીઝ હેન્ડલરો ટેલિગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી, જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. ડિજિટલ એરેસ્ટ કરતી આ ગેંગના મુખ્ય આરોપીઓને પકડવા માટે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code