મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) 6 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. આ ઝુંબેશનું નેતૃત્વ તેઓ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાએ કહ્યું કે એમવીએ રાજ્યના લોકોને તેમનું સમર્થન મેળવવા માટે એક કાર્યક્રમ (કોમન મિનિમમ પ્રોગ્રામ) રજૂ કરશે.
પવારના કહેવા પ્રમાણે, વિપક્ષી ગઠબંધનનો ચૂંટણી પ્રચાર તેમની, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શરૂ થશે. રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે MVA 6 નવેમ્બરે મુંબઈમાં સંયુક્ત રેલી કરશે, જ્યાં તે વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી જૂથની ‘ગેરંટી’ આપશે.
ગૃહ મતવિસ્તાર બારામતીમાં પત્રકારો સાથે વાત કરતા પવારે લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે તેઓ રાજ્યના લોકોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. કેટલાક મતવિસ્તારોમાં MVA ઘટક NCP (SP), કોંગ્રેસ અને શિવસેના (UBT) વચ્ચે મૈત્રીપૂર્ણ સ્પર્ધા વિશે પૂછવામાં આવતા, પવારે કહ્યું કે માત્ર 10-12 બેઠકો છે જ્યાં બે MVA ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમણે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે અમે આગામી થોડા દિવસોમાં કોઈ ઉકેલ શોધી કાઢીશું.’ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર)ની સામે મહાવિકાસ અધાડી વચ્ચે ચૂંટણી જંગ જામશે.