અલ્મોડામાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, પૌડી-અલ્મોડાના ARTO સસ્પેન્ડ કરાયાં
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં થયેલા હુમલાને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આકરુ વલણ અપનાવીને પૌડી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારના એઆરટીઓ પ્રવર્તનને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યાં છે. તેમજ આયુક્ત કુમાઉં મંડલએ સમગ્ર ઘટનાની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ કર્યાં છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36ના મોત થયાં છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારને સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અલ્મોડામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. માર્ચુલા નજીક મુસાફરો ભરેલી એક બસ ખીણમાં ખાબકી હતી. બસમાં લગભગ 45થી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતા. આ બનાવને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉચ્ચ અધિકારીઓ સહિતનો વહીવટી સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. નૈનીતાલની પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તંત્રએ માર્ગ અકસ્માતની આ ઘટનામાં 36ના મોત થયાનું જણાવ્યું હતું. જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એઈમ્સ લઈ જવાયાં હતા. તેમજ અન્ય ઘાટલોની રામનગર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉચ્ચ અધિકારી દીપક કુમારે જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં હજુ સુધી 36 વ્યક્તિના મોત થયાનું ખૂલ્યું છે. મૃતકોના પરિવારજનોને રૂ. 4-4 લાખ અને ઘાયલોને રૂ. એક-એક લાખની સહાય ચૂકવવામાં આવશે. એઈમ્સના તબીબો પણ ઘાયલોની સારવાર અર્થે રામનગર દોડી ગયા હતા. આ ઉપરાંત બનાવ સ્થળ ઉપર એસડીઆરએફ અને એસડીએમ તંત્ર પણ ઉપસ્થિત છે.