- ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનચાલકોને RTOએ દંડ ફટકાર્યો,
- PUC ન હોય એવા 335 વાહનચાલકો પણ દંડાયા,
- ઓવરસ્પીડના 150 કેસ નોંધાયા
ગાંધીનગરઃ શહેર જિલ્લાના આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવે છે. ગત મહિને યાને ઓક્ટોમ્બર મહિનામાં આરટીઓએ સમયાંતરે વાહનોનું ચેકિંગ કરીને 1493 વાહન માલિકો પાસેથી 28.38 લાખનો દંડ વસુલાયો હતો.
હાઈવે પર માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ગાંધીનગર આરટીઓ દ્વારા જિલ્લાના અનેક સ્થળોએ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આરટીઓ દ્વારા નક્કી કરેલા 22 જેટલા નિયમોનું પાલન નહી કરવા બદલ 1493 વાહન ચાલકો પાસેથી દંડ પેટે રૂપિયા 28.36 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં પીયુસી, હેલ્મેટ, નંબર પ્લેટ વિના તેમજ ઓવરસ્પિડને લગતા નિયમોનું પાલન નહી કરનારના કેસનો આંકડો 150થી વધુ થયો છે. જોકે દંડનીય કાર્યવાહીમાં ઓવરલોડવાળા 74 વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા 7.99 લાખનો સૌથી વધુ દંડ વસુલવામાં આવ્યો હતો.
ગાંધીનગર આરટીઓ દ્વારા જિલ્લાના અલગ અલગ જગ્યાએ વાહનોનું ચેકિંગ સમયાંતરે કરવામાં આવતું હોય છે. જેમાં ગત ઓક્ટોબર મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 1493 ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરાતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. 1493 વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા 28.36 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આરટીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલા દંડનીય કાર્યવાહીમાં સૌથી વધુ પીયુસી વિના જ વાહન ચલાવતા 335 ચાલકો પાસેથી રૂપિયા 1.93 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે હેલ્મેટ પહેર્યા વિના જ વાહન હંકારતા 218 ચાલકો પાસેથી દંડ પેટે રૂપિયા 1.09 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. વધુમાં નંબર પ્લેટ વિના જ રોડ ઉપર વાહન ચલાવતા 183 ચાલકો પાસેથી કુલ રૂપિયા 83400નો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સ વિના જ વાહન હંકારતા 175 ચાલકો પાસેથી કુલ રૂપિયા 3.95 લાખનો દંડ લેવામાં આવ્યો હતો. ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા 163 ચાલકો પાસેથી કુલ રૂપિયા 3.26 લાખનો દંડ વસુલાયો હતો. જ્યારે વીમા વિના જ વાહન ચલાવનાર 155 ચાલકો પાસેથી કુલ રૂપિયા 3.10 લાખનો દંડ લીધો છે. જોકે આ સિવાય અન્ય નિયમોનું પાલન નહી કરવા બદલ કુલ-1493 વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા 2836481નો દંડ વસુલવામાં આવ્યો છે. ટુ, થ્રી, ફોર અને હેવી સહિતના વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 74 વાહનોમાં ઓવરલોડ હોવાથી કુલ રૂપિયા 7.99 લાખનો દંડ વસુલાયો હતો.