- વર્ષોથી પરંપરા ચાલી આવે છે, એનું અધ્યક્ષે પાલન કરવું જોઈએ,
- અધ્યક્ષ કોઈપણ પક્ષની રાજકીય મીટિંગોમાં ભાગ લઈ કે નહીં,
- મુખ્યમંત્રીની ફરજ છે, અધ્યક્ષના પદને દાગ લાગવા ન દેવો જોઈએ
પાલનપુરઃ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની 13મી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સલાહ આપતા કહ્યું હતું કે, અધ્યક્ષ હોવાના નાતે રાજકીય મીટીંગોમાં ભાગ લેવો ન જોઈએ અને અધ્યક્ષ પદની ગરિમા જાળવવી જોઈએ.
લોકસભા કે વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો બંધારણિય છે. અને રાજકીય પક્ષની મીટિગમાં હાજર રહી શકતા નથી કે ચૂંટણીનો પ્રચાર કરી શકતા નથી, અધ્યક્ષનું પદ પ્રાપ્ત કરતા પહેલા જ તેમણે જે રાજકીય પક્ષોમાં હોય એમાંથી રાજીનામુ આપવું પડે છે. એટલે અધ્યક્ષ કોઈ પક્ષના ગણાતા નથી. આ એક પ્રોટોકોલ છે, અને વર્ષાથી પાલન થતું આવ્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જાહેર મંચ પરથી ટકોર કરી હતી.
લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકરને યાદ કરતા શક્તિસિંહે કહ્યું હતું કે, માવલંકર દાદા મરાઠી હતા. પરંતુ, તેમનું કાર્યક્ષેત્ર ગુજરાત હતું. તેઓ સ્પીકર બન્યા ત્યારથી એક ઉમદા પરંપરા છે કે ખુરશી પર માણસ બેસે તે માણસ રાજકીય પક્ષના સભ્યપદેથી રાજીનામું આપે. અત્યારના અધ્યક્ષને હું વિનંતી કરીશ કે મહેરબાની કરજો. આ પરંપરાને દાગ લાગે તેવું કામ ન કરતા આ ગુજરાતી પરંપરા છે. મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે, તમારી ફરજ છે કે સ્પીકરના પદને દાગ ન લાગવો જોઈએ. તમારી ફરજ છે કે, સ્પીકરના પદને દાગ ન લાગવો દેવો જોઈએ તમારે ના પાડવી જોઈએ કે રાજકીય મીટીંગમાં મારા અધ્યક્ષને લઈ જઈને હું મારા અધ્યક્ષને કલંકિત નહીં કરું તે કહેવાની જવાબદારી મુખ્યમંત્રીની છે.