મુંબઈઃ કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મહારાષ્ટ્રના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 24 કેરેટ સોનાની ભસ્મ રિકવર કરી છે, જેની કુલ કિંમત રૂ. 1.36 કરોડ છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સોનાની ભસ્મ એક બેગમાં રાખવામાં આવેલા અન્ડરવેરમાં છુપાવવામાં આવી હતી.
AIU અધિકારીએ જણાવ્યું હતું કે, કસ્ટમ અધિકારીઓએ એક મુસાફરને રોક્યો જ્યારે તે ડિપાર્ચર હોલમાં સ્ટાફ ટોયલેટમાંથી બહાર આવી રહ્યો હતો. તેમની સાથે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનો એક અંગત કર્મચારી પણ હતો, જે બેગ લઈને જતો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કર્મચારી અને તેની બેગની તલાશી લેતા અધિકારીઓને અન્ડરવેરમાં છુપાયેલ એક પેકેટ મળી આવ્યું હતું. જેમાં 24 કેરેટ સોનાની ભસ્મ મળી હતી, જેનું કુલ વજન 1.892 કિલો અને ચોખ્ખું વજન 1.800 કિલો હતું, જેની કિંમત રૂ. 1.36 કરોડ હોવાનું જાણવા મળે છે. અધિકારીએ જણાવ્યું કે, કર્મચારીએ સ્વીકાર્યું કે સોનું તેને મુસાફર દ્વારા આપવામાં આવ્યું હતું. “ત્યારબાદ, એરપોર્ટ કર્મચારી અને મુસાફરની કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી,” અધિકારીએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.