દિલ્હી: રાજધાનીનું વાતાવરણ બની રહ્યું વધુ ખરાબ, અનેક જગ્યાનો AQI ખરાબ હાલતમાં
નવી દિલ્હીઃ ઠંડીની શરૂઆત સાથે જ દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવી ગયું છે. સ્થિતિ એવી છે કે શહેરની હવા શ્વાસ રૂંધાવા જેવી બની છે. AQI સ્તર સતત વધી રહ્યું છે જેના કારણે દિલ્હીના લોકો ચિંતિત બન્યા છે. દિલ્હી NCR વિસ્તારમાં હવાની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સોમવારે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં રહી હતી. આજે સવારે દિલ્હીનો સરેરાશ AQI 346 નોંધાયો હતો.
દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે ડ્રોન દ્વારા પાણીનો છંટકાવ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને રોકવા માટે દિલ્હી સરકારે શુક્રવારે શહેરના આનંદ વિહાર વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે ડ્રોનનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કર્યો હતો. આનંદ વિહાર શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંથી એક છે. આ દરમિયાન દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં AQI શહેરના સરેરાશ સ્તર કરતા વધારે છે.