- મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં સર્જરી માટે હવે નવી SOP જાહેર કરાશે,
- આરોગ્યમંત્રી કહે છે, જવાબદારો સામે કડક પગલાં ભરાશે,
- ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજી માત્ર PMJAY કાર્ડ ધારકોને સારવાર અપાતી હતી
ગાંધીનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને મુદ્દે હોબાળો મચ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ ઉપરાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી માટે નવી SOP જાહેર કરવામાં આવશે એવું તેમણે જણાવ્યુ હતુ.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને મામલે હોબાળો મચ્યા બાદ મુંબઈ ગયેલા આરોગ્ય મંત્રી ત્વરિત ગાંધીનગર પરત ફર્યા હતા. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બેઠક મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં હોસ્પિટલમાં સર્જરી માટે ખાસ SOP બનાવવા અંગેની વાત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયોજીત કરેલા કેમ્પને લઈને મોટો ખૂલાશો થયો છે. હોસ્પિટલે અગાઉ પણ મહેસાણાના કડી તાલુકામાં 4 કેમ્પ કર્યા હતા. કડીના ખંડેરાવપુરા, કણજરી, લક્ષ્મણપુરા, વાઘરોડા ગામે પણ હોસ્પિટલે કેમ્પ કર્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના પદાધિકારીઓ આરોગ્ય વિભાગની પરવાનગી વગર જ કેમ્પનું આયોજન કરતા હોવાનું જાણવા મળ્યુ છે. સરકારી યોજનાનો લાભ લેવા હોસ્પિટલ દ્વારા માત્ર PMJAY કાર્ડ ધારકોને જ સારવાર માટે લઈ જવાતા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.