નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિલ્હીમાં 82.53 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજિત કિંમત 900 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. આ બાબતની માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ કાર્યવાહી ભારતને ડ્રગ મુક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગૃહમંત્રી શાહના જણાવ્યા અનુસાર, NCBએ ડ્રગ્સ પકડવા માટે ‘બોટમ-ટુ-ટોપ’ અભિગમ અપનાવ્યો હતો. જ્યારે દિલ્હીના એક કુરિયર સેન્ટરમાંથી ડ્રગ્સનો કેટલોક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે તેના આધારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ દિલ્હીથી ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું અને તેનો મુખ્ય શખ્સ દુબઈ સ્થિત એક મોટો હવાલા બિઝનેસમેન છે, જેનું દિલ્હીમાં ખાસ્સું પ્રભાવ હોવાનું કહેવાય છે.
તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ પહેલા અમદાવાદ અને સોનીપતથી દિલ્હી લાવવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપી લોકેશ ચોપરા અને અવધેશ યાદવની ધરપકડ કરી છે. આ જપ્તી ભારતમાં ‘જમીન આધારિત’ ડ્રગ્સઓની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી હોવાનું કહેવાય છે, જે દિલ્હીમાં NCBની સતત તકેદારી અને નક્કર આયોજનનું પરિણામ છે. એનસીબીએ આ કામગીરીમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને આ કન્સાઈનમેન્ટને અત્યંત કાળજી સાથે ટ્રેક કર્યું હતું.