• યુવાન સાયકલ પર નોકરી પર જતો હતો ત્યારે બન્યો બનાવ,
• અજાણ્યો વાહન અકસ્માત બાદ પલાયન થયું,
• પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના અંધજન મંડળ નજીક રોડ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. શહેરના 132 ફુટ રિંગ રોડ પર આવેલા અંધજન મંડળ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા 19 વર્ષીય સાઈકલ ચાલકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત સાઈકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અકસ્માકના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના 132 ફુટ રિંગ રોડ પર આવેલા અંધજન મંડળ પાસે સાયકલ પર સવાર થઈને નોકરી પર જઈ રહેલા યુવાનને કોઈ અજાણ્યા વાહન અડફેટે લઈને પલાયન થયુ હતું. સાયકલસવાર યુવાન રોડ પર પટકાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનું મોત નિપજ્યું હતું. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ બિહારના 19 વર્ષીય અંકિતકુમાર ઝા હાલ નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસેના અશોક ચેમ્બરમાં તેના માતા-પિતા અને બે ભાઈઓ સાથે રહે છે. અંકિત થલતેજ ગુરુદ્વારા પાછળ આવેલી કંપનીમાં નોકરી કરે છે. સવારના સમયે અંકિત નોકરી પર જવા માટે ઘરેથી સાઈકલ લઈને નિકળ્યો હતો. અંધજન મંડળ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો.તે સમયે ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યા વાહન ચાલકે અંકિતની સાઈકલને ટક્કર મારી હતી. જેથી અંકિત હવામાં ફંગોળાઈને જમીને પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત અંકિતને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે અંકિતને મૃત જાહેર કર્યો હતો. ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.