- માલણ ગામમાં 25થી વધુ ખેડુતો ગલગોટાની ખેતીથી સારી કમાણી કરે છે,
- ફુલો વેચવા માટે નથી જવું પડતું વેપારીઓ ખેતર પર આવી ખરીદી કરે છે,
- ગામના અન્ય ખેડુતો પણ ફુલોની ખેતી તરફ આકર્ષાયા
પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર નજીક આવેલા માલણ ગામના ખેડુતો હવે ગલગોટાની ખેતી તરફ વળ્યા છે. અન્ય પાકની તુલનાએ ગલગોટાની ખેતીથી સારો ફાયદો થયો હોવાનું ખેડુતો કહી રહ્યા છે. ખેડૂતો ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખેડૂતોએ ફૂલોની ખેતી કરીને વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી, પણ બહારગામના વેપારીઓ ખેતરમાં આવીને ફૂલોની ખરીદી કરી જાય છે.
પાલનપુર તાલુકાના માલણ ગામના 20થી 25 જેટલાં ખેડૂતો ગલગોટાની ખેતી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, ગલગોટા વેચવા માર્કેટમાં જવું નથી પડતું, અમદાવાદથી વેપારીઓ ખેતરમાંથી જ ગલગોટા લઈ જાય છે જેથી બચત થાય છે. આ વર્ષે શિયાળો શરૂ થયો, છતાં ઠંડી પ્રમાણ નહીંવત છે. એટલે ઘઉં જેવા પાકો ઉઘાડવામાં તકલીફ છે. ત્યારે માલણ ગામના ખેડૂતો અનાજ ,શાકભાજી સિવાય ફૂલોની ખેતી કરી રહ્યા છે. જેમાં ખેડૂતોને તહેવારોમાં ફૂલોનો સારો એવો ભાવ મળે છે અને આડે દિવસે કિલો દીઠ 35થી 40 રૂપિયા જેટલો ભાવ મળે છે, જેથી ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છીએ. માલણ ગામમાં 20થી 25 જેટલા ખેડૂતો ગલગોટાની ખેતી કરી રહ્યા છે. અને ગલગોટાના ફૂલોની ખરીદી કરવા અમદાવાદથી વેપારી આવી ખેતરેથી માલની લઈ જાય છે. જેથી માર્કેટમાં વેચવા જવાની જરૂર પડતી નથી.
જિલ્લા કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ બનાસકાંઠાના ખેડુતો રવિ સીઝનમાં વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે. જેમાં પાલનપુર આજુબાજુના ગામોમાં ખેડુતો ફુલોની ખેતી કરવા લાગ્યા છે. ગરગોટાની ખેતીથી રોકડિયા પાકની જેમ આવક થાય છે. તેમજ ગલગોટાની ખેતીને યોગ્ય વાતાવરણ પણ મળી રહે છે. તેથી ઉત્પાદન પણ સારૂએવું થાય છે.