- વેકેશન બાદ પ્રથમ દિવસે ફ્રેન્ડને મળીને વિદ્યાર્થીઓ ખૂશ થયા,
- બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસ ગુંજી ઊઠ્યું,
- કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ નૂતન વર્ષ શુભેચ્છાની આપ-લે કરી
અમદાવાદઃ ગુજરાતભરમાં શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન બાદ શાળાઓ બાળકોની કિલ્લોલથી ગુજી ઊઠી હતી. વિદ્યાર્થીઓએ પોતાના સહાધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત કરી હતી, જ્યારે કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ પોતાના ભાઈબંધ-દોસ્તારોને મળીને નૂતન વર્ષાભિનંદની આપ-લે કરી હતી,
રાજ્યભરની સ્કૂલ અને કોલેજોમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં ફરીથી સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. ગુજરાત બોર્ડની સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું એક સત્ર દિવાળી અગાઉ પૂર્ણ થયું હતું આજથી બીજું સત્ર શરૂ થયું છે.વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા છે. મોટા ભાગની સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ કરાયો હતો. રાજ્યભરની સ્કૂલોમાં 26 ઓકટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. દિવાળી વેકેશન અગાઉ જ સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી જે બાદ 21 દિવસનું વેકેશન પડ્યુ હતું.વેકેશન પૂર્ણ થતાં આજથી ફરીથી સ્કૂલો રાબેતા મૂજબ શરૂ થઈ છે. સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાત બોર્ડની શાળાઓમાં સત્રાંક પરીક્ષા 20.જાન્યુઆરીએ યોજાશે. બોર્ડની પરીક્ષા વહેલા યોજાવવાની હોવાથી સ્કૂલમાં બીજી પરીક્ષા પણ એક સપ્તાહ વહેલા યોજાશે.વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલોમાં ફરીથી આવ્યા છે.મિત્રો અને શિક્ષકોને મળ્યા બાદ વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા.
સીએન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કહ્યુ હતું કે, દિવાળી વેકેશન બાદ આજે પ્રથમ દિવસ છે. આજે અમારા સહાધ્યાયીઓને જોઈને અમને આનંદ થયો છે. વેજલપુર વિસ્તારની શાળાની ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે દિવાળી વેકેશનમાં હોમ વર્ક કર્યું છે.તહેવારોની ઉજવણી પણ થઈ ચૂકી છે.ઘરે શિક્ષકો અને મિત્રોને ખૂબ યાદ કર્યા હતા.આજે મિત્રો મળ્યા એટલે ખૂબ મજા આવી છે.બીજા સત્રમાં અભ્યાસ કરવા માટે પણ અમારામાં ઉત્સાહ છે.