- મામા-ભાણેજના જંગમાં મામા મેદાન મારી ગયા,
- કલ્પક મણિયારની પેનલનો પરાજ્ય,
- ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી
રાજકોટઃ વર્ષો જુની અને ભાજપ અને સંઘના વર્ચસ્વવાળી રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો હતો. જેમાં ભાજપ સમર્પિત જ્યોતિન્દ્ર મહેતાની પેનલનો વિજય થયો હતો. જ્યારે તેમના જ ભાણેજ એવા કલ્પક મણિયારની પેનલનો પરાજ્ય થયો હતો. આમ મામા-ભાણેજ વચ્ચેના જંગમાં મામા મેદાન મારી ગયા છે.
રાજકોટ નાગરિક બેંકની પ્રતિષ્ઠાભર્યા ચૂંટણીના પરિણામો જાહેર થતાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. નાગરિક બેંકની ચૂંટણીમાં મામા-ભાણેજ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો. જેમાં મામા-ભાણેજના આ જંગમાં મામાની પેનલની જીત થઇ છે, એટલે કે જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે ભાણેજની એટલે કે કલ્પક મણિયારની સંસ્કાર પેનલનો કારમો પરાજ્ય થયો છે. આ ચૂંટણીમાં સહકાર પેનલને જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલને કલ્પક મણિઆર (ભાણેજ)નો દોરી સંચાર હતો. જેમાં ભાજપનુ સહકારી પેનલને શરૂઆતથી સમર્થન હતું. આ ચૂંટણીમાં મત ગણતરી શરૂ થયાના 2 કલાક બાદ ચિત્ર સ્પષ્ટ થતાં મેયર નયનાબેન પેઢડિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના ભાજપના નેતાઓ સહકાર પેનલના આગેવાનોને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયા હતાં. દરમિયાન સહકાર પેનલના આગેવાન હંસરાજ ગજરાએ કહ્યું કે, બેંકમાં કોઈ કૌભાંડો થયા નથી. વિજેતા ઉમેદવાર દેવાંગ માંકડે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની આ જીત છે. બળવો કરતા પૂર્વ ચેરમેન કલ્પક મણિઆર હાર ભાળી ગયા હોય તેમ શરૂઆતથી જ મત ગણતરી કેન્દ્ર પર ડોકાયા ન હતા. હવે 23મીએ નાગરિક બેંકના ચેરમેનની જાહેરાત થવાની છે, ત્યારે તેમાં દિનેશ પાઠકનુ નામ સૌથી આગળ હોવાનુ માનવામાં આવી રહ્યું છે.
હંસરાજ ગજેરાએ જણાવ્યું હતુ કે, સહકાર પેનલના 2 મહિલા ઉમેદવારો શરૂઆતથી જ વિજેતા બન્યા છે. આ પેનલની જીત થઈ ગઈ છે. ચૂંટણીમાં સહકાર અને સંસ્કાર પેનલના ઉમેદવારોએ સહકાર આપ્યો. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ છે, જેમાં સહકાર પેનલ જીતી ગઈ છે. વિજેતા ઉમેદવાર દેવાંગ માંકડે જણાવ્યું હતુ કે, નાગરિક બેંકની ચૂંટણીમાં સંઘની વિચારધારા વાળી સહકાર પેનલની જીત થઈ છે. ચૂંટણી લડતા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બન્યા છે. જ્યારે ચેરમેન માટે આપનું નામ ચર્ચાઈ રહ્યું છે, તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, અમારા માટે કોઈ પદ હોતું નથી, જવાબદારી હોય છે. જેથી કોઈને પણ ચેરમેન બનાવવામાં આવે તેઓ તે જવાબદારી સ્વીકારશે.
અત્રે ઉલ્લેખનીય છે 28 વર્ષ બાદ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલમાંથી 21 ઉમેદવારો અને સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ કરવામાં આવ્યા હતા. જોકે 6 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ગઈ હતી.