અમદાવાદઃ કતારગામમાં મધરાત્રે ગોઝારી ઘટના બની હતી. ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્શના બીજા માળે 15 બાય 15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બાટલો ફાટ્યો હતોઅને આ દુર્ઘટનામાં 7 યુવાનો દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપાડા એ.કે. રોડ પર આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્સના બીજા માળે 15 બાય 15ની રૂમમાં 10 જેટલાં યુવાનો રસોઈ બનાવી રહ્યાં હતાં. તેઓ કેટરર્સ માટે રસોઈ બનાવતા હતા. એકસાથે બે ચૂલા પર રસોઈ બની રહી હતી. રૂમમાં 3 ગેસ સિલિન્ડર હતા. જે પૈકી એક બાટલામાંથી ગેસ લિકેજ થયો હતો. દરમિયાન કોઈકે લાઈટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરતાં જ બાટલો બ્લાસ્ટ થયો હતો.
આ દુર્ઘટનામાં ચૂલો સળગાવવાનો પ્રયાસ કરનાર યુવક સૌથી વધુ દાઝી ગયો હતો. જ્યારે રૂમમાં હાજર બીજા 6 યુવાનો પણ દાઝ્યા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટના લીધે રૂમના બારી દરવાજા તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા. ફાયર વિભાગે પહોંચી તમામ યુવાનોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.પહેલાં ઈજાગ્રસ્તોને સ્મીમેર અને ત્યાર બાદ કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાઈટરથી ચૂલો સળગાવવાનો પ્રયાસ કરનાર યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ દૂર્ઘટનામાં અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાન ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણવા મળે છે.