- કચરાના ઢગલાંમાંથી 500ના દરની 95 નકલી નોટો મળી,
- લોકોએ કચરાના ઢગલામાં નોટો હોવાની પોલીસને જાણ કરી,
- પોલીસે આજુબાજુના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી
ભાવનગરઃ શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલાંમાં 500ની નોટો જોતા જ સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી આવીને તપાસ કરતા કચરાના ઢગલાંમાંથી 500ના દરની 95 નોટો મળી આવી હતી. અને તે તપાસતા નકલી નોટો હતી. આથી આજુબાજુના રસ્તાઓ પરના સીસીટીવી કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નવાપરામાં આવેલા રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાંથી કચરામાં ફેંકી દેવાયેલો શંકાસ્પદ નકલી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી શંકાસ્પદ ચલણી નોટોનો કબજો લઇ આગળ તપાસ હાથ ધરી હતી, બે દિવસ પહેલાં મુંબઇના મીરા વિસ્તારમાંથી ભાવનગરના વતની આર્યન જાંબુચા નામના શખ્સને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 51 લાખની 500ની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપી લીધો હતો, ત્યારે ભાવનગર પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે કે, મુંબઈમાં પકડાયેલો નકલી નોટ સાથે આર્યનને ભાવનગરમાં મળી આવેલી ડુપ્લીકેટ નોટ સાથે કોઈ કનેકશન છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. એસઓજી પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવીના કૂટેજ મેળવીને કચરાના ઢગલામાં ડુપ્લીકેટ નોટ કોણે નાખી, કોણે છાપી એ દિશમાં આગળ તપાસ હાથ ધરી છે, કોઈ અજાણ્યા ઈસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં 500 ના દરની ચલણી નોટો કચરામાં ફેંકવામાં આવી હતી,
આ અંગે ભાવનગર એસ.પી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પલેક્ષ બેઝમેન્ટમાં ભારતીય ચલણની 500ના દરની નોટો પડેલી હોવાની જિલ્લા પોલીસને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ કરતા ભારતીય દરની ચલણી નોટો ઝેરોક્ષ કરેલી અથવા પ્રિન્ટ કરેલી 95 નોટો મળી આવી હતી અને આ કચરાના ઢગલામાં પડી હતી, આજુબાજુના સીસીટીવી તપાસ કરી આ નોટ અહીંયા કોણ નાખી ગયું હશે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.