- ગુજરાતમાં ખેતી સાથે પશુપાલનની પ્રવૃતિ સંકળાયેલી છે,
- ગામડાંની સમૃદ્ધીનો પાયો ખેડુતો અને પશુપાલન છે,
- ખેડુતો પાસેથી જમીનો ઝૂંટવાઈ જશેઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ન હોય એવા લોકો પણ ખેતીની જમીનો ખરીદી શકે એવો કાયદો લાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે આવો કાયદો લવાશે તો વિરોધ કરાશે. એવી ચીમકી આપતા વિપક્ષના નેતા એવા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, આપણો દેશ અને આપણું રાજ્ય ખેતીપ્રધાન રાજ્ય છે. રાષ્ટ્ર અને રાજ્યની જે સમૃદ્ધિ છે, ઉન્નતી છે, જી.ડી.પી. છે એમાં ખેડૂત અને ખેતીનું ખુબ મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે એના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો અને પશુપાલકો છે એની આર્થિક સમૃદ્ધિ પણ એનું એક માધ્યમ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 56 લાખ કરતા વધારે ખેડૂત ખાતેદારો છે, અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરતી ભાજપ સરકારની જે નીતિ છે, નિયત છે, એના કારણે દિવસે-દિવસે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. અને એવો જ એક વધુ નિર્ણય કરવાનું સરકાર વિચારી રહી છે કે, ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે જેના કારણે જે દુરોગામી અસરો થવાની છે તે નુકસાન થવાનું છે એના બાબતે વાત કરવાની છે. દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા, ગરાસદાર કે ગામધણી સાથે જમીનદારો હતા તેમના કબ્જામાં હતી. એ વખતે સામાન્ય ગરીબ લોકો ખાસ કરીને એસ.સી., એસ.ટી. પછાતવર્ગના લોકો એ જમીનોમાં મહેનત-મજુરી કરતા હતા, ગણોતિયા હતા, ખેતમજુરી કરતા હતા, એમનું જીવન ખુબ દયનીય હતું.
તેમણે કહ્યુ કે, કોંગ્રેસની સરકાર અને એની નીતિઓને કારણે ગરીબ અને પછાત વર્ગના લોકોને સમૃદ્ધ બનાવવા માટે, મુખ્ય ધારામાં લાવવા માટે જમીનના કાયદા લાવ્યા એના કારણે જે જમીનમાં ખેતમજુરી કરતા હતા, ગણોતિયા હતા, ભાગિયા હતા તેવા લોકોને “ખેડે એની જમીન” નો કાયદો લાવી જમીનના માલિકો બનાવ્યા. એક વ્યક્તિ પાસેથી લઇ નાના-નાના લોકોને આપી જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ વધી, લોકોનું જીવન ધોરણ સુધર્યું. એ જ કોંગ્રેસની સરકારોએ ચિંતા પણ કરી કે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધી લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે કાયદાકીય અધિકારો આપ્યા, કાયદાકીય નિયંત્રણો લાવ્યા. મુંબઈ રાજ્ય હતું ત્યારથી ૧૯૪૮માં મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદાઓ લાવ્યા. એ કાયદાઓ હેઠળ ગણોતિયાઓને રક્ષણ મળ્યું, એ જમીનો વર્ષો સુધી સચવાઈ રહી. એ જમીનો જે સમૃદ્ધ લોકો છે એ પચાવી ન પાડે, એ જમીનો ખરીદીને ફરીથી એક જ જગ્યાએ કેન્દ્રીકરણ ન થાય એની ચિંતા કરી 1956માં ખેતીની જમીન ધારણ કરવા માટે 8 કી.મી.ની મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો. એટલે ૮ કી.મી.ની મર્યાદામાં જ ખેતીની જમીનોની લે-વેચ કરી શકે, અને ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે જેથી કરીને ખેતી જળવાઈ રહે, ઉત્પાદન જળવાઈ રહે અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય લોકોનું જીવન ધોરણ છે એને પણ કોઈપણ જાતનું નુકસાન ન થાય. એ કાયદાને કારણે વર્ષો સુધી,1955થી 1995 સુધી ખેતીની જમીનો જળવાઈ રહી, ખેતીનું ઉત્પાદન દિવસે-દિવસે ટેકનોલોજીને કારણે વધ્યું અને ખેડૂતો સમૃદ્ધ થયા અને એનાથી રાષ્ટ્ર અને રાજ્ય મજબુત થયા. એ વખતે જમીનોનું રક્ષણ થાય તે માટે જમીનોને નિયંત્રિત પ્રકારની એટલે કે નવી શરતની જમીન તરીકે જાહેર કરવામાં આવી, અને કાયદાકીય જોગવાઈ કરીને નવી શરતની જમીન સક્ષમ અધિકારી કે સરકારની પૂર્વ મંજુરી વગર જમીનનું વેચાણ ન થઇ શકે, એનો ભાગ કે વહેંચણી ન થઇ શકે, ગીરો કે બક્ષિશ ના થઇ શકે એવા પણ કાયદાકીય અધિકારો આપ્યા, નિયંત્રણો રાખ્યા જેના કારણે જમીનો વર્ષો સુધી જળવાઈ રહી અને આજે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની સમૃદ્ધિ છે એની પાછળ કોંગ્રેસની નીતિ અને કાયદાનું ખુબ મોટું યોગદાન છે.