ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને એક મોટી વાત કહી છે. એલેક્ઝાન્ડર ડુગિને ભારતને તેની મહાન હિંદુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા સૂચન કર્યું છે. રશિયન રાજ્ય મીડિયા રશિયા ટીવી (RT) સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે, વૈદિક સભ્યતાનો ખ્યાલ સર્વસમાવેશક છે અને તેની પુનઃસ્થાપનાથી બહુધ્રુવીય વિશ્વની સ્થાપના કરવામાં મદદ મળશે. રશિયા પણ અમેરિકાના વિરોધમાં મલ્ટિપોલર સિસ્ટમને સતત સમર્થન આપી રહ્યું છે. આ અમેરિકન વર્ચસ્વને મોટો ફટકો પડે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે દુગિને ભારતના વખાણમાં કંઈક કહ્યું હોય. આ વર્ષની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે ભારત આપણી નજર સમક્ષ એક નવા વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના લોકો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ભારતના આર્થિક વિકાસ, વૈશ્વિક પ્રભાવ અને રાજકીય પરિવર્તનના વધતા મહત્વ વિશે પણ વિગતવાર વાત કરી હતી.
રાજકીય ફિલસૂફ, વિશ્લેષક અને વ્યૂહરચનાકાર તરીકે પ્રખ્યાત એલેક્ઝાન્ડર ડુગિનનું પૂરું નામ એલેક્ઝાન્ડર ગેલેવિચ ડુગિન છે. પશ્ચિમી દેશોમાં ડુગિનને ફાશીવાદી વિચારધારાના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. આ સિવાય તેમને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એલેક્ઝાન્ડર ડુગિન હતા જેમણે યુક્રેનને નોવોરોસિયા (નવું રશિયા) નામ આપ્યું હતું. એલેક્ઝાન્ડર ડુગિનને રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન સરકારની ખૂબ નજીક માનવામાં આવે છે.