1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથે દેશભક્તિનું ધર્મકાર્ય છે : રાજ્યપાલ
પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથે દેશભક્તિનું ધર્મકાર્ય છે : રાજ્યપાલ

પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથે દેશભક્તિનું ધર્મકાર્ય છે : રાજ્યપાલ

0
Social Share
  • રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના સંયોજકો સાથે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો,
  • પંચસ્તરીય પદ્ધતિથી પ્રાકૃતિક બાગાયતી ખેતી કરવા ખેડુતોને અનુરોધ,
  • ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવે

ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના અને માર્કેટિંગ માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો-એફ.પી.ઓ.નું માળખું વધુ સુદ્રઢ કરાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર મેળવી શકે તે હેતુથી સર્ટિફિકેશનની પ્રક્રિયામાં સહયોગ કરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોની વિશ્વસનીયતા ઉભી થાય અને તેનું બ્રાન્ડીંગ થાય એ માટે પણ માર્ગદર્શન અપાશે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ એવી છે કે ખેડૂતો તેનું ઇચ્છિત મૂલ્ય મેળવી શકે છે.

ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, ગુજરાત સરકારના ‘આત્મા’ પ્રભાગ અને પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજે રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એસ.પી.એન.એફ. – ટકાઉ અને પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયોજકો સાથેના રાજ્યકક્ષાના પરિસંવાદમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા કરવા પ્રમાણિક પ્રયાસો અને બમણી મહેનત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથોસાથ માનવ કલ્યાણ અને દેશભક્તિનું ધર્મકાર્ય છે. ભૂમિ, હવા, પાણી અને પ્રકૃતિની શુદ્ધતા માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પ્રાણીમાત્રનું કલ્યાણ કરનારી છે.

રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત, પ્રોત્સાહિત અને પ્રશિક્ષિત કરી રહેલા પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયોજકોને પંચસ્તરીય બાગાયતી ખેતી કરવાનો આગ્રહ કરતા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પંચસ્તરીય પદ્ધતિથી બાગાયતી પાકો લઈને ખેડૂત પોતાની આવકમાં અપાર વૃદ્ધિ કરી શકે છે. તેમણે ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની સાથેસાથ પશુપાલન કરવાની ભલામણ કરતાં કહ્યું હતું કે, દેશી ગાયના જતન-સંવર્ધનથી દૂધની આવક ઊભી થશે. સેક્સ શોર્ટેડ સિમેનથી વાછરડીનું જન્મ પ્રમાણ વધશે, પરિણામે દેશી ગાયની નસલ સુધરશે અને દૂધ ઉત્પાદન પણ વધશે. આમ પશુપાલનથી પણ આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે, દેશી ગાય વિના પ્રાકૃતિક ખેતી સંભવ જ નથી. દેશી ગાયના ગોબરમાં જમીનની ફળદ્રુપતા વધારનારા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ છે અને ગૌમુત્ર ખનીજનો ભંડાર છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા પાઠવતાં રાજયપાલએ કહ્યું કે, રાજ્યમાં ગાયોની સંખ્યા વધારવા સરકારે આવકારદાયક પગલું ભર્યું છે. વિદેશોમાં રૂપિયા 2000 થી 2200 માં મળતું સેક્સ શૉર્ટડ સિમન, હવે ગુજરાતમાં રૂપિયા 700 માં તૈયાર છે, જે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ  ડૉ. સી.કે. ટિમ્બડીયાએ આ ઝુંબેશના કારણે પ્રાકૃતિક કૃષિ જન જન સુધી પહોંચી છે, તેમ જણાવીને સૌ સંયોજકો-ખેડૂતોને આવકાર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code