હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી રવિના ટંડન તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. અભિનેત્રીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે તે રાજકારણની દુનિયામાં કેમ પ્રવેશી શકી નથી. રવિનાએ વીડિયોમાં કહ્યું છે કે, તેની ઈમાનદારીની આદત અને ખોટા કામો સહન ન કરી શકવાના કારણે તેના માટે રાજનીતિમાં રહેવું પડકારજનક હતું.
વાયરલ થઈ રહેલી ક્લિપમાં અભિનેત્રીએ કહ્યું, “જે દિવસે હું રાજકારણમાં પ્રવેશીશ, મારા આ વર્તનને કારણે કોઈ જલ્દી મને ગોળી મારી દેશે.” પોતાની વાત સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, “હું સત્યને અસત્યમાં બદલી શકતી નથી. મારા માટે તે મુશ્કેલ બની જાય છે કારણ કે મને જે નાપસંદ છે તે મારા ચહેરા પર પ્રતિબિંબિત થાય છે અને પછી હું તેના માટે લડવાનું શરૂ કરું છું. પ્રામાણિકતા કદાચ આજના વિશ્વમાં શ્રેષ્ઠ નીતિ નથી. તેથી જ્યારે પણ કોઈ મને રાજકારણમાં જોડાવાનું કહે છે, ત્યારે હું કહું છું કે જો હું આવીશ તો બહુ જલ્દી મારી હત્યા કરી દેવામાં આવશે.
આ વિડિયો વર્ષ 2022નો છે, જે X પર એક ઇન્ટરેક્ટિવ સેશનનો છે. તેમાં યુઝર્સે તેને પૂછ્યું કે શું તે રાજકારણમાં આવી શકે છે. રવિનાએ વીડિયોમાં કહ્યું કે એક સમય હતો જ્યારે તે રાજકારણમાં આવવા માટે ગંભીરતાથી વિચારી રહી હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેને પશ્ચિમ બંગાળ, પંજાબ અને મુંબઈ સહિત દેશના ઘણા પ્રદેશોમાં રાજકીય બેઠકો માટે ઑફર મળી હતી. જો કે, તેણે તે ઓફર ફગાવી દીધી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, 1991માં હિટ ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી ડેબ્યૂ કરનાર અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીને ‘મોહરા’, ‘દિલવાલે’, ‘આતિશ’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે ‘પટના શુક્લા’માં વકીલની ભૂમિકામાં જોવા મળી હતી. રવિનાની દીકરી રાશા થડાની પણ તેના બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. અભિષેક કપૂર નિર્દેશિત ફિલ્મ ‘આઝાદ’માં રાશા લીડ રોલમાં જોવા મળશે. રાશાની સામે અભિનેતા અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન જોવા મળશે.