ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. હાલની સ્થિતિએ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ભાજપા બહુમતથી હજુ દૂર છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, જેએમએમ, રાજદ અને સીપીઆઈએ ઈન્ડી ગઠબંધન હેઠળ ઝંપલાવ્યું હતું. 81 બેઠકોવાળી વિધાનસભામાં બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. હાલની સ્થિતિ અનુસાર ઈન્ડી ગઠબંધન 50 બેઠકો, એનડીએ 30 બેઠક ઉપર અને અન્ય એક બેઠક ઉપર આગળ છે. આમ હાલની સ્થિતિએ ઈન્ડી ગઠબંધન ફરીથી સરકાર બનાવે તેવી શકયતાઓ છે.
ઝારખંડની બરહેટ વિધાનસભા બેઠક ઉપરથી હેમંત સોરેન 11400થી વધારે મતથી આગળ ચાલી રહ્યાં છે. ગમાલિયલ હેંબ્રમને 8651 મત મળ્યાં છે. હેમંત સોરેનની પત્ની અને ગાંડેય સીટના જેએમએમ ઉમેદવાર કલ્પના સોરેનએ મતગણતરી દરમિયાન જણાવ્યું હતું કે, જનતાએ વિકાસનો રસ્તો પસંદ કર્યો છે. તેમ છતા અમારે હજુ રાહ જોવી પડશે.