ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અનુપમ ખેરે, 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)ના ચોથા દિવસે આજે એકેડેમી ઑફ આર્ટસ, પણજી, ગોવા ખાતે એક મંત્રમુગ્ધ કરનાર માસ્ટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને સંમોહિત કર્યા.
ખેરે ‘ધ પાવર ઓફ ફેઈલર’ પર સત્રની શરૂઆત એમ કહીને કરી, “મને લાગે છે કે હું મારી નિષ્ફળતાઓની સફળતાની વાર્તા છું.” આખું સત્ર જીવનના પાઠો પર ખરેખર એક માસ્ટરક્લાસ હતું, જેમાં તેમના અંગત જીવનની ઘણી વાર્તાઓ તેમની લાક્ષણિક બુદ્ધિથી ભરેલી હતી..
અનુપમ ખેરે કહ્યું કે એમની કથાનો આરંભ શિમલામાં થયો હતો જ્યાં ચૌદ સભ્યોના સંયુક્ત પરિવારે પોતાનું જીવન એક જ ઓરડામાં વિતાવ્યું હતું જેમાં એમના પિતા જ કમાનારા સભ્ય હતા. તેમના શબ્દોમાં કહીએ તો, તેઓ ગરીબ હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે ખુશ હતા અને તેમના દાદાએ ટિપ્પણી કરી હતી કે, “જ્યારે લોકો ખૂબ ગરીબ હોય છે, ત્યારે તેમના માટે સૌથી સસ્તી વસ્તુ સુખ બની જાય છે.”
અત્યંત અનુભવી અભિનેતાએ પાંચમા ધોરણમાં ભણતી વખતે પહેલી વાર શાળાના નાટકમાં ભાગ ભજવ્યો હતો તે યાદ કરતાં કહ્યું હતું કે જ્યારે તે આશ્વાસન ઇનામ પણ મેળવવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓ દયનીય બની ગયા હતા. “‘નિષ્ફળતા એ એક ઘટના છે, ક્યારેય કોઈ વ્યક્તિ નથી હોતી’, મારા પિતાએ તે દિવસે મને શીખવ્યું હતું. તેના પછીની સહેલગાહમાં, ઉભરતા અભિનેતાએ વિલિયમ શેક્સપિયરના ‘મર્ચન્ટ ઓફ વેનિસ’ નાટકમાં તેમને સોંપવામાં આવેલા સંવાદની 2 પંક્તિઓમાં 27 ભૂલો કરી હતી!
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) ગોલ્ડ મેડલ વિજેતા યુવા અભિનેતા પહેલી વાર મુંબઈ આવ્યા તે સમયની વાત કરીએ તો. ખેરે કહ્યું, “હું પહેલેથી જ એનએસડી ગોલ્ડ મેડલ વિજેતા હતો ત્યારથી પહેલી જ તક મળતા સિટી ઓફ ડ્રીમ્સને જીતવાનો આત્મવિશ્વાસ મારામાં હતો.” પરંતુ થોડા જ મહિનાઓમાં તેને 27 દિવસ રહેવા માટે બાંદ્રા ઇસ્ટ રેલવે સ્ટેશન પર શિફ્ટ થવું પડ્યું હતું.
પરંતુ ઘણા ઉતાર-ચઢાવ પછી ખેરને ફિલ્મ ‘સારંશ’થી પુરસ્કાર મળ્યો. ખેરે યાદ કર્યું કે 1984માં તેઓ પહેલીવાર દિલ્હીમાં IFFIની મુલાકાતે ગયા હતા. આ માસ્ટરક્લાસ સાથે IFFIની તેમની પ્રથમ મુલાકાતને 40 વર્ષ થયા છે.
અનુપમ ખેર માટે જીવન રોલરકોસ્ટરની સવારી જેવું બની રહ્યું. પરંતુ દરેક પતનમાં, પછી ભલે તે ‘હમ આપકે હૈ કૌન’ના શૂટિંગ દરમિયાન ચહેરાના લકવાનો ભોગ બન્યા હોય એ સમય હોય, અથવા જ્યારે તેઓ 2004માં લગભગ નાદાર થઈ ગયા એ સમય; દરેક વખતે, તેઓ તેમના પિતા અને દાદા પાસેથી મળેલી શિખામણને વળગી રહ્યા.
ખેરની ઉબડખાબડ જીવન યાત્રાને સાંભળીને શ્રોતાઓ અવાચક થઈ ગયા હતા. પરંતુ તેમના ચુંબકીય વ્યક્તિત્વ, વિચાર-વિમર્શ અને અભિનય સાથે, અડસઠ વર્ષના પીઢ અભિનેતાએ, ‘ક્યારેય હાર ન માનો જેવા’, તેમના જીવન દર્શનના ટોનિક સાથે સમગ્ર શ્રોતાઓને સહેલાઇથી સંભાળી લીધા હતા!