- દિવાળી પહેલા મ્યુનિ. દ્વારા 105 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી,
- વરસાદી પાણીના જોડાણોમાં ફેક્ટરીઓએ ગટરના જોડાણો કરી દીધા હતા,
- મ્યુનિને ખાડી સાફ કરાવવામાં કરોડોનો ખર્ચ થાય છે.
સુરતઃ શહેરના ઉધના ઝાનમાં આવેલી ખાડીમાં વરસાદી સીઝનમાં સ્ટ્રોમ વોટર લાઈનું પાણી ઠાલવવા ભૂગર્ભ લાઈનો બિછાવવામાં આવી છે. આ વરસાદી પાણીની લાઈનો કેટલાક ડાઈંગ-પ્રિન્ટિંગ સહિતના એકમોએ ગટરની લાઈનો જાડી દઈને કેમિકલ્સયુક્ત ગંદુ પાણી ખાડીમાં છોડવામાં આવતું હતું. જેમાં દિવાળી પહેલા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શાસ્ત્રી નગર, વ્હાઈટ હાઉસ અને મારૂતી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સઘન તપાસ હાથ ધરતાં 105 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિએ લાલ આંક કરીને 105 એકમોને સીલ મારી દીધા છે. મ્યુનિની કડક કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત શહેરની ખાડીઓમાં કેમિકલ યુક્ત પાણીનો નિકાલ ખૂબ મોટા પ્રમાણમાં થતા હોવાની ફરિયાદ સતત મળતી રહે છે, પરંતુ અધિકારીઓ તેને ગંભીરતાથી લેતા નથી. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ખાડી સાફ કરવામાં આવે છે. વરસાદી લાઈનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર કનેકશનો સંદર્ભે હાથ ધરવામાં આવેલી તપાસ બાદ મ્યુનિએ 105 કારખાનેદારોને નોટિસો ફટકારવામાં આવી હતી. જ્યારે 42 ડાઈંગ પ્રિન્ટીંગ સહિત પ્રોસેસિંગ હાઉસોને સીલ કરવામાં આવ્યા હતા.
એસએમસીના સૂત્રોના કહેવા મુજબ દિવાળી પહેલાં શહેરના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી ખાડીઓમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન થકી પાણીના નિકાલની ફરિયાદોને પગલે શાસ્ત્રી નગર, વ્હાઈટ હાઉસ અને મારૂતી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સઘન તપાસ હાથ ધરતાં 105 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ 97 એકમો ઝડપાયા હતા. જેમના સીલીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રિન્ટિંગ હાઉસો દ્વારા પણ મ્યુનિ.કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનને બદલે કેમિકલયુક્ત પાણી બારોબાર સ્ટ્રોમ લાઈનમાં છોડી દેવામાં આવતું હોય છે. આ પ્રકારના ન્યુશન્સને સામે મ્યુનિ દ્વારા છાશવારે અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે અને જવાબદાર એકમો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને લિંબાયત, ઉધના અને કતારગામ ઝોનમાં ડાઈંગના સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણીના નિકાલની સમસ્યા જોવા મળે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત શહેરમાં અનેક ઉદ્યોગિક ગૃહો એવા છે કે, જેઓ ગેરકાયદેસર રીતે ખાડીઓમાં અને તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવી દેતા હોય છે, પરંતુ અધિકારીઓની લાલિયા વાડીને કારણે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાતા નથી. ડ્રેનેજ કમિટીના ચેરમેન દ્વારા હવે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરતના કતારગામ લિંબાયત ઉધના અને પાંડેસરા વિસ્તારમાં આ પ્રકારના અનેક કનેક્સનો ગેરકાયદેસર ચાલી રહ્યા છે. જો તેમની તપાસ કરવામાં આવ્યા અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો સુરત મ્યુનિ.કોર્પોરેશન કરોડો રૂપિયાનો વેડફાટ થતો અટકાવી શકાય તેમ છે.