કલોલમાં કારએ એક્ટિવાને ટક્કર માર્યા બાદ પાથરણાવાળા પર ચડાવી દીધી, એકનું મોત, 5ને ઈજા
- બેકાબુ બનેલી કારે અકસ્માત બાદ કોર્ટ દીવાલ સાથે અથડાઈ,
- ઘટના સ્થળે ધારાસભ્ય સહિત લોકો દોડી આવ્યા,
- મૃતકના પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો
કલોલઃ શહેરમાં પૂરફાટ ઝડપે એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એક્ટિવા સ્કુટરને ટક્કર માર્યા બાદ કાર ભાગવા જતાં રોડ સાઈડ પાથણું પાથરીને શાકભાજીનો વેપાર કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. ત્યાંથી કારચાલક નાસવા જતાં કાર ટર્નિંગમાં વળાંક લેતા કોર્ટની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં મહિલાનું મોત નિપજ્યુ હતું. તેમજ 5 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. આ બનાવને પગલે લોકોના ટોળાં ઉમટ્યા હતા,
આ બનાવની વિગતો એવી છે કે, કલોલ શહેરમાં આવેલી દિવાની ફોજદારી કોર્ટ આગળ રોડ પર પૂર ઝડપે આવેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. જે બાદ કારચાલકે પૂર ઝડપે કાર હંકારી ભાગવા જતાં ટર્ન લેતી વખતે વધારે ઝડપના કારણે કાર કોર્ટ આગળ બેઠેલા પાથરાણાવાળા પર ચઢી ગઈ હતી. ત્યારબાદ કાર કોર્ટની દીવાલે અથડાઇ હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ 5 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલોલમાં ગઈકાલે સાંજના સુમારે કોર્ટ પાસે ફેરિયાઓ પાથરણું પાથરીને શાકભાજી વેચી રહ્યા હતા તે વખતે એક કારના ચાલકે તેની કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર શાકભાજી વેચી રહેલા ફેરીયાઓ ઉપર ફરી વળી હતી જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું તેમ જ પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘાયલને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ કારચાલકને પોલીસે ઝડપી લીધો હતો. મૃતક મહિનાનું નામ જશીબેન દશરથભાઈ પટણી છે. અને તેના પતિ દશરથભાઈ પટણીને પણ શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ આ અકસ્માતમાં દિલીપભાઈ રાવળ તથા કંકુબેન પટણીને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે કલોલની સિવિલથી ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ અકસ્માતમાં ગીતાબેન રમેશભાઈ રાવળ અને પાયલબેન રમેશભાઈ રાવળને સામાન્ય ઇજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે કલોલની સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા
આ ઘટનાની જાણ લોકોને થતાં ધારાસભ્ય સહિતના લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. જો કે જાણવા મળતી વિગત મુજબ પરિવારજનોએ ઘટનાને લઈને હોસ્પિટલ આગળ હોબાળો કર્યો હતો.