લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 3 લોકોના મોત થયા છે. કમિશનર ઓંજની સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. સીઓ અનુજ ચૌધરી અને એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી છે. એસપી સહિત અન્ય 15 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જે પૈકી એક કોન્સ્ટેબલની હાલત અત્યંત નાજુક છે. હિંસા બાદ આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જામા મસ્જિદ તરફ જતા ત્રણેય માર્ગો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
- મૃતકના પરિજનોનો દાવો છે કે પોલીસની ગોળીથી મોત થયું
બીજી તરફ મૃતકના પરિજનો દાવો કરે છે કે પોલીસે કરેલા ગોળીબારના કારણે તેમનું મોત થયું છે. જોકે, મુરાદાબાદના ડિવિઝનલ કમિશનર અંજનેય કુમાર સિંહનું કહેવું છે કે પોલીસ ગોળીબારમાં કોઈનું મોત થયું નથી. કમિશનરે જણાવ્યું હતું કે હુમલાખોરો આયોજનબદ્ધ રીતે સર્વે ટીમને નિશાન બનાવવા માંગતા હતા. 12-14 વર્ષની વયના બાળકો અને મહિલાઓને આગળ રાખવામાં આવ્યા હતા.
- 15થી વધુ પોલીસકર્મી ઈજાગ્રસ્ત
પથ્થરમારાની આ ઘટના ત્યારે બની જ્યારે એક ટીમ રવિવારે સવારે 6.30 વાગ્યે શાહી જામા મસ્જિદમાં નવો સર્વે કરવા પહોંચી હતી. સ્થાનિક લોકોએ કથિત રીતે સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દળ પર હુમલો કર્યો હતો. હિંસા દરમિયાન બદમાશોએ ત્રણ કાર અને આઠ બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ પર ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. જેમાં 15થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
મુરાદાબાદના ડિવિઝનલ કમિશનર અંજનેય કુમાર સિંહે કહ્યું, “સર્વે પૂર્ણ થયા બાદ ત્રણ અલગ-અલગ દિશામાંથી પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ અને પ્લાસ્ટિક બુલેટનો ઉપયોગ કર્યો હતો. “આ પછી બીજા જૂથે વાહનોને આગ ચાંપી અને ગોળીબાર કરવાનું શરૂ કર્યું.”
ફાયરિંગમાં પોલીસ પીઆરઓને પગમાં ગોળી વાગી હતી. ડેપ્યુટી કલેકટરના પગમાં ફ્રેકચર થયું છે. સર્કલ ઓફિસર (CO) પણ ઘાયલ થયા છે. 3 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને અમે તેમના પ્રતિનિધિઓ સાથે વાત કરી રહ્યાં છીએ. સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલા હંગામામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લીધા. જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.