- નબીરો અકસ્માત બાદ બિન્દાસ્તથી ઓડી કારમાં સિગારેટ ફુંકતો રહ્યો,
- સ્થાનિક લોકોએ દોડી આવી નબીરાને કારમાંથી ખેંચીને માર માર્યો,
- પોલીસે કારચાલકની કરી અટકાયત
અમદાવાદ: શહેરમાં મોડી રાતે અને વહેલી સવારે પૂરફાટ ઝડપે અને બેફામરીતે વાહનો દોડતો જોવા મળતા હોય છે. જેમાં કેટલાક કારચાલક નબીરોઓ અકસ્માતો સર્જીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. આવો જ એક બનાવ આજે સવારે બોપલ-આંબલી રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે ઓડી કારનાચાલકે કહેવાતા દારૂના નશામાં ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. કારચાલક નબીરાએ ત્રણ યુવતીઓને પણ ટક્કર મારી હતી. નબીરાએ 5 વાહનોને અડફેટે લેતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન ઓડીકાર રેલિંગ સાથે અથડાઈને બંધ પડી ગઈ હતી. ત્યારબાદ પણ આરોપી કારચાલક ઓડીકારમાં બેસીને સિંગારેટો ફુંકતો રહ્યો હતો. આ અકસ્માતના બનાવથી લોકો એકઠા થઈ ગયા હતા. અને લોકોએ નબીરાને કારમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. જોકે, હાલ પોલીસે આ નબીરાની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં નબીરાનું નામ રિપલ પંચાલ હોવાનું જાણવા મળ્યુ છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના આંબલી-બોપલ રોડ પર આજે સવારના સમયે એક ઓડી કારના ચાલકે કહેવાતા નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હતા. ઓડી કારના ચાલકે પૂરફાટ અને બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય વાહનચાલકોમાં ડરનો માહોલ છવાયો હતો. અકસ્માત સર્જયા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. દરમિયાન લોકો દોડી આવ્યા હતા. લોકોના કહેવા મુજબ કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જયા બાદ કારના કાચ બંધ કરીને અંદર બેસીને જ સિગરેટ પિતો રહ્યો હતો. આ બનાવની જાણ છતાં જ પોલીસ દોડી આવી હતી. અને કારચાલકની અટકાયત કરી હતી.
આરોપી રિપલ પંચાલ પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્રકર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડીવાઈડર સાથે ટકરાતા કાર ઉભી રહી ગઈ હતી. ત્યારબાદ સ્કુટરને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર રેલિંગ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગરેટના દમ મારતો રહ્યો હતો. અકસ્માતની પોલીસને જાણ થતા અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી. પોલીસે પૂછતાછ કરતા અકસ્માત સર્જનારા ઓડી કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું જાણવા મળ્યુ છે. જે થલતેજ વિસ્તારમાં રહે છે.