1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નલિયામાં ઘાસીયા મેદાનમાં ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના શરૂ કરાઈ
નલિયામાં ઘાસીયા મેદાનમાં ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના શરૂ કરાઈ

નલિયામાં ઘાસીયા મેદાનમાં ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના શરૂ કરાઈ

0
Social Share

ગાંધીનગરઃ ભારતમાં ઘોરાડ પક્ષીઓ ખાસ કરીને રાજસ્થાનને બાદ કરતાં કચ્છના નલીયાના ઘાસિયા મેદાનમાં જીવી રહ્યાં છે. કચ્છમાં માત્ર જુજ સંખ્યામાં માદા ઘોરાડ છે. રાજસ્થાનના જેસલમેરમાં એ આઈ આર્ટિફિશિયલ ઇનસેમીનેશનથી જન્મેલા નર ઘોરાડને ગુજરાતમાં લાવીને કચ્છના નલિયામાં રહેલ માદા ઘોરાડ સાથે બ્રિડિંગ અને સંવર્ધન કરાવવાની યોજના છે.

આ સંવર્ધનના મુદ્દે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ચર્ચા વિચારણા પૂર્ણ થયેલ છે એ આઈ એટલે કૃત્રિમ બીજદાન થી મોટા થયેલા ત્રીજી પેઢીના નર ઘોરાડને ગુજરાતમાં લાવીને તેની સંવર્ધન કરવાની યોજના છે . પશ્ચિમ કચ્છના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ દુરદર્શનને મુલાકાત આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં કચ્છ માટે બ્રિડિંગ ની ખૂબ ઉજળી તકો રહેલી છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નલિયા વિસ્તારના ઘાસિયા મેદાન વિસ્તારમાં ઘોરાડ સાથે સહજીવન જીવતા અન્ય વન્ય જીવના પણ સંવર્ધન અને સંરક્ષણ માટે પગલાં લેવાય રહ્યાં છે.

ગુજરાતમાં માત્ર કચ્છમાં જ ઘોરાડ પક્ષી જોવા મળે છે. કચ્છ વિસ્તારમાં વધતા જતાં માઇનીંગ, ઓદ્યોગિકરણ અને પવનચક્કી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે. મહત્વનું છે કે ખેતરોમાં જીતાવ, નાના સરિસૃપો પર આધારિત ઘોરાડ ખેડૂતોના પણ સાથી ગણાય છે. 3000 હેક્ટર જમીન ઉપરાંત કેન્દ્ર સરકાર હવે નલિયામાં બ્રિડીંગ સેન્ટર ઉભુ કરીને રાજસ્થાનથી ઘોરાડના ઇંડા લાવી સંવર્ધન કરવા માંગે છે.

ઘોરાડ પક્ષીની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે પણ પહેલ આદરી છે. ગુજરાત વાઈલ્ડ લાઇફના નિષ્ણાતોની સલાહ સૂચનો મેળવવામાં આવી રહ્યા છે. રાજ્ય વન વિભાગ પણ આ દિશામાં ઘોરાડ બચાવો અભિયાનને હાથ ધરવા આગળ ધપી રહ્યું છે. ઘોરાડને અતિશય સંવેદનશીલ પ્રજાતિઓના પક્ષીઓની શિડ્યુઅલ-1 ની યાદીમાં સ્થાન ધરાવે છે.

ઘોરાડ મૂળ રૂપે ભારતીય પક્ષી છે. સમગ્ર દુનિયામાં હવે ખૂબ ઓછા ઘોરાડ પક્ષી બચ્યા છે. આ પક્ષી આશરે એક મીટર જેટલુ ઉંચુ હોય છે. તે સફેદ ગળા અને એક મીટરની ઉંચાઇને કારણે તરત જ નજરે ચડી જાય છે. માદા ઘોરાડનું કદ નર ઘોરાડ કરતાં થોડું નાનું હોય છે. માદા ઘોરાડની ભ્રમરોનો ભાગ પહોળો હોય છે. જ્યારે કે નર ઘોરાડ મોટા, ઉંચા અને છાતી ઉપર સંપૂણગોળ કાંઠલો ધરાવે છે. પ્રજનન સમયે ઘોરાડ ઘાસિયા મેદાનોમાં વસવાટ કરે છે. બાકીના સમયમાં એટલે કે શિયાળા, ઉનાળામાં ખુલ્લી પડતર જમીનો, વઢાઇ ગયેલા ખેતરો, તો કયારેક જુવાર બાજરાના ખેતરમાં જોવા મળે છે. આમ તો ઘોરાડ સાચા અર્થમાં ખેડૂત મિત્ર ગણાય છે.

ભારતમાં તેની વસતી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અને કર્ણાટકમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ ઉપરાંત સૌરાષ્‍ટ્રમાં પણ અગાઉ ઘોરાડ જોવા મળતા હતા. જો કે માનવ વસ્તીનુ દબાણ, ઔદ્યોગિકીકરણ, અને આડેધડ શિકારને કારણે આ ઘોરાડ હવે લુપ્‍ત થવાના આરે છે. કચ્છમાં ઘોરાડ માટે આ અંતિમ આશ્રયસ્થાન છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘોરાડ વરસમાં માત્ર એક જ ઇંડુ મુકે છે. આથી તેની વસ્તી પણ ખૂબજ ધીમી ગતિએ વધે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code