નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી.
ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક સભ્યો સ્થગિત કરવાની નોટિસનો ઉલ્લેખ કરતા પણ સાંભળ્યા હતા. સપાના સભ્યોએ સંભાલની ઘટનાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. કોંગ્રેસ અને સપાના ઘણા સભ્યો બેઠકની નજીક પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં બંધારણ પર 2 દિવસની ચર્ચાની માંગ કરી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ ઉપલા ગૃહમાં આ જ માગણી કરી છે. આ પહેલા અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો પર પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “અમે આજે નિયમ 267 હેઠળ સવાલ ઉઠાવી રહ્યા છીએ, તે પછી અમે તમને જણાવીશું.”