લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, બદમાશો પર ઈનામ પણ જાહેર કરી શકાય છે. હિંસા આચરનારાઓ કોઈપણ સંજોગોમાં છટકી શકશે નહીં. યુપીની યોગી સરકાર પહેલા જ નુકસાનની વસૂલાત માટે વટહુકમ બહાર પાડી ચૂકી છે અને બદમાશો વિરુદ્ધ પોસ્ટર લગાવવાના આદેશ કર્યાં છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે, સર્વેના એક દિવસ પહેલા જિલ્લા વહીવટીતંત્રે જામા મસ્જિદ કમિટીને નોટિસ આપી હતી. જ્યારે સર્વે ટીમ પહોંચી ત્યારે સંભલના ધારાસભ્ય ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ પણ જામા મસ્જિદ પહોંચ્યા હતા. તેમને સર્વે ટીમમાં જોડાવવા વાત કરી હતી. જો કે, ટીમે તેને સામેલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી જ ભીડ એકઠી થઈ ગઈ અને હોબાળો મચી ગયો હતો. આ ગરબડમાં સામેલ લોકોના ફોટોગ્રાફ પણ ટૂંક સમયમાં મીડિયામાં જાહેર કરવામાં આવશે, જેનાથી તેમને પકડવામાં સરળતા રહેશે. પોલીસે પથ્થરબાજી કરનારા આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને પકડવા માટે વ્યાપક શોધખોળ ચાલી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સંભલ શહેર ઉપરાંત નજીકના શહેરો અને ગામડાઓમાં પણ પોલીસ દ્વારા તોફાનીઓની શોધ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ડઝનબંધ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બરેલી ઝોનના ADG રમિત શર્મા અને DIG મુનિરાજ જીએ સવારે પોલીસ દળ સાથે શહેરમાં પગપાળા કૂચ કરી હતી. આ દરમિયાન તેમણે વેપારીઓ સાથે વાત કરી અને તેમને દુકાનો ખોલવા અને વેપાર કરવા કહ્યું હતું. જોકે, શહેરની મોટાભાગની બજારોમાં દુકાનો ખુલી હોવા છતાં નીરવ શાંતિ જોવા મળી હતી. શહેરની જામા મસ્જિદની આસપાસની દુકાનો ખુલી ન હતી. હંગામા બાદ ભાગી ગયેલા સેંકડો લોકોના ઘરોને હજુ પણ તાળા લાગેલા છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણી બની ગયો છે.
સંભલની મસ્જિદમાં સર્વે દરમિયાન થયેલી હિંસા બાદ ત્રણ દિવસ બાદ બુધવારે જીવન સામાન્ય થવા લાગ્યું છે. શાળાઓ ખુલી ગઈ છે અને આવશ્યક ચીજવસ્તુઓ વેચતી ઘણી દુકાનો પણ ખુલી ગઈ છે, જોકે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ હજુ પણ સ્થગિત છે. હિંસા બાદ વહીવટીતંત્રે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરી છે. પોલીસે મુખ્ય ચોક પર દળો તૈનાત કરી દીધા છે અને રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. 30 નવેમ્બર સુધી જિલ્લામાં બહારના લોકો અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં 11 FIR નોંધવામાં આવી છે.