લખનૌઃ લખનૌ અને આગ્રા એક્સપ્રેસ વે ઉપર મોટરકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ ડોકટરના મોત થયાં હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના બે ટુકડા થઈ ગયા હતા. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. આ અકસ્માતમાં સૈફઈ મેડિકલ કોલેજના 5 ડોક્ટરોના મોત થયા હતા. CM યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી . ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
ઘટનાની માહિતી મળતાની સાથે જ CM યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી હતી. તેમણે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે તેમણે ઈજાગ્રસ્તોને જલદી સાજા થવાની કામના કરી હતી. આ સાથે તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ 4 વાગ્યે કન્નૌજના લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર થઈ હતી. સૈફઈ મેડિકલ કોલેજના 5 ડોક્ટરો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાની કારમાં પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ કારમાં ચીસો પડવા લાગી, ત્યાંથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
સવારે 3.43 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વેના કિલોમીટર નંબર 196 પર એક માર્ગ અકસ્માત થયો છે. કંટ્રોલ રૂમને માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત કાર આગ્રા તરફ જઈ રહી હતી, ડ્રાઈવર ઊંઘી જવાના કારણે કાર ડિવાઈડર તોડીને આગરાથી લખનૌની દિશામાં પહોંચી ગઈ હતી. આ પછી, તે આગ્રા તરફથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી.