નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં એક સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી સફેદ પાઉડર જેવી વસ્તુ મળી આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 11.48 કલાકની આસપાસ પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ થયાની પોલીસને જાણકારી મળી હતી. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી, પોલીસ અને એફએસએલ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. મીઠાઈની દુકાન પાસે પડેલા એક સ્કૂટરમાં બ્લાસ્ટ થયાનું જાણવા મળે છે. સદનસીબે બ્લાસ્ટની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
અગાઉ રોહિણીના પ્રશાંત વિહારમાં 20મી ઓક્ટોબરના બ્લાસ્ટ થયો હતો. સીઆરપીએફ સ્કૂલની દિવાલ પાસે બ્લાસ્ટ થયો હતો. સવારે થયેલા બ્લાસ્ટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે બે કિમી સુધીનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે આસપાસના મકાનના બાકીના કાચ ફુટી ગયા હતા. બ્લાસ્ટને પગલે સ્કૂલની દિવાલમાં મોટુ બાખોરુ પડી ગયું હતું. બોમ્બ બ્લાસ્ટમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં ઘટના સ્થળ ઉપરથી મોટી માત્રામાં સફેદ પાઉડર મળી આવ્યો હતો.