- શિયાળાની ઋતુમાં કચ્છમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે,
- ભૂજ-મંબઈ વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધુ રહેતો હોવાથી એર ઈન્ડિયાએ કર્યો નિર્ણય,
- 1લી ડિસેમ્બરથી 187 સીટર એરબસ ઉડાન ભરશે
ભૂજઃ કચ્છમાં શિયાળા દરમિયાન પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો જોવા મળતો હોય છે. કચ્છના ધોરડો, ધોળાવીરા સહિત અનેક સ્થળોએ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જેમાં ઘણાબધા પ્રવાસીઓ મુંબઈથી આવતા હોય એર ટ્રાફિકમાં પણ વધારો થયો છે. ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધતા એર ઇન્ડિયા દ્વારા ફલાઈટની ક્ષમતા વધારવામાં આવી છે જેમાં ભુજથી પહેલીવાર એર ઇન્ડિયાની એરબસ 321 ઉડાન ભરશે જેમાં 187 પ્રવાસીની કેપીસીટી છે.
ભુજ-મુંબઈ વચ્ચે આવાગમન વધારે હોય છે જેથી એર ઇન્ડિયા દ્વારા આ રૂટમાં એરબસ શરૂ કરાઈ હતી શરૂઆતમાં 180 સીટર વિમાન ઉડાન ભરતું હતું ત્યારબાદ પ્રવાસીઓ ઘટતા 162 સીટની કેપીસીટી સાથે વિમાનનું સંચાલન કરવામાં આવતું હતું હાલમાં પ્રવાસીઓની અવરજવર વધી ગઈ છે ચાલુ મહિને રણોત્સવ શરૂ થયો અને દિવાળી વેકેશનના કારણે 28 દિવસોમા જ એરપોર્ટ પર 15 હજાર પ્રવાસીની અવરજવર નોંધાઇ છે ત્યારે હવે વધુ પ્રવાસીઓ સમાવી શકાય તે માટે એર ઈન્ડિયા દ્વારા આગામી 1 ડીસેમ્બરથી એરબસ 321 ચલાવવાનો નિર્ણય લીધો છે. પેસેન્જર ક્ષમતા વધારે હોવાથી ભાડા ઘટયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભુજ-મુંબઈ વચ્ચેના ભાડા 20 હજારને પણ પાર થઈ ગયા હતા ત્યારે નવી સુવિધામાં 10 હજાર નીચે ભાડા દેખાઇ રહ્યા છે.ભાડા પર નિયંત્રણ રહે તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. દિવાળી સમયે મુંબઇની ટીકીટના ભાવ 20 હજાર સુધી પહોંચી ગયા હતા.
ભુજથી મુંબઈ ઉપરાંત દિલ્હીની ફલાઇટ માટે વખતોવખત માંગ થાય છે. હાલમાં મુંબઈ માટે એર ઇન્ડિયાની એક અને એલાયન્સ એર મળી બે ફલાઈટ ઉડાન ભરે છે. વર્ષ અગાઉ એર ઇન્ડિયા દ્વારા સવાર સાંજ ફલાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરાઈ હતી પણ સાંજની સેવા હજી શરૂ થઇ નથી. જો કે હવે પ્રવાસીઓમાં વધારો થયો જાય છે. તેથી મુંબઈ સિવાય અન્ય શહેરોની ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે.