યુનાઈટેડ કિંગ્ડમના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનો સડક દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. ગુરુવારે સેન્ડીગ્રામ એસ્ટેટમાં 97 વર્ષીય પ્રિન્સ ફિલિપની કાર અકસ્માતનો ભોગ બની હતી. રાહતની વાત એ રહી કે પ્રિન્સ ફિલિપને અકસ્માતમાં ઈજા થઈ નથી. બકિંઘમ પેલેસ અને પોલીસે આના સંદર્ભે જાણકારી આપી છે.
બકિંઘમ પેલેસના પ્રવક્તાએ જણાવ્યુ છે કે પ્રિન્સ ફિલિપની કાર બપોરે સેન્ડીગ્રામ નજીક અકસ્માતનો ભોગ બની હતી. તે વખતે પ્રિન્સ ફિલિપ ખુદ કાર ચલાવી રહ્યા હતા. પોલીસે કાર પલટવાની વાતની પુષ્ટિ કરવાનો ઈન્કાર કર્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટનામાં ડ્યૂકને ઈજા પહોંચી નથી. પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે. બકિંઘમ પેલેસના પ્રવક્તાએ કહ્યુ છે કે દુર્ઘટના બાદ ડયૂક ડોક્ટરની પાસે ગયા હતા. ડોક્ટરે પણ ડ્યૂકને કોઈપણ પ્રકારની ઈજા નહીં પહોંચી હોવાની વાતની પુષ્ટિ કરી છે.
નોરફોક પોલીસે ગુરુવારે રાત્રે દુર્ઘટના સંદર્ભે તાજી જાણકારી આપતા કહ્યુ હતુ કે સડક દુર્ઘટના દરમિયાન અપનાવવામાં આવત નીતિ હેઠળ તેમણે બંને કારચાલકો દ્વારા દારૂ સેવન કરાયું છે કે નહીં તેની તપાસ કરી છે. પોલીસે કહ્યુ છે કે તેઓ પુષ્ટિ કરી શકે છે કે બંને ડ્રાઈવરોના શ્વાસની તપાસ કરવામાં આવી છે, આ તપાસમાં ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. પોલીસે કહ્યું છે કે તેમણે બપોરે ત્રણ વાગ્યે લેન્ડરોવર અને કિઆ કારની વચ્ચે અકસ્માત થયાના અહેવાલ મળ્યા હતા. લેન્ડરોવર કાર પ્રિન્સ ફિલિપ ચલાવી રહ્યા હતા.
પોલીસે કહ્યું છે કે લેન્ડરોવર કારના ચાલકને કોઈ ઈજા થઈ નથી. પોલીસનું કહેવું છે કે કિઆ કાર ચલાવી રહેલી મહિલા ડ્રાઈવર અને તેમા બેઠેલા વ્યક્તિને કેટલીક ઈજાઓ પહોંચીછે. તેમને સારવાર બાદ ડોક્ટરે રજા આપી છે.