પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં ભારતની લઘુમતીઓના અધિકારોને લઈને ઉપદેશ આપવાની કોશિશ કરી હતી. આનો ઈમરાન ખાનને આકરો પ્રત્યુત્તર પણ મળ્યો હતો. હવે ઈમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાનમાં લઘુમતીઓના માનવાધિકારોને કચડી નાખવાનો અને તેમને નીચું દેખાડવાનો મામલો વધુ એક વાર બેનકાબ થયો છે.
અમેરિકાના વિદેશ વિભાગે પણ આ મહીને પોતાના એક રિપોર્ટમાં પાકિસ્તાનને ધાર્મિક અધિકારો કચડવાના મામલામાં દુનિયાના ત્રણ મુખ્ય દેશોમાં સામેલ કર્યું હતું. આમા બે અન્ય દેશોમાં ચીન અને સાઉદી અરેબિયાનો પણ સમાવેશ થાય છે. હવે ફરી એખવાર પાકિસ્તાનમાં કંઈક એવું થયું છે કે જેની અમેરિકાના વિદેશ વિભાગનો અહેવાલ એક રીતે પુષ્ટિ કરે છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સરકાર છે. અહીં સ્વાબી જિલ્લા પરિષદે એક પ્રસ્તાવ પારીત કર્યો છે. તેના પ્રમાણે હોસ્પિટલોમાં સ્વીપરના પદ પર માત્ર ખ્રિસ્તીઓની જ ભરતી કરવાનું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ સ્વાબી જિલ્લા પરિષદે સર્વસંમતિથી પારીત કર્યો છે અને તેને ઈમરાન ખાનની પાર્ટીના નેતા અકમલ ખાને રજૂ કર્યો હતો.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના રિપોર્ટ મુજબ, સ્વાબી જિલ્લા પરિષદે આ પ્રસ્તાવને કોર્ટના આદેશો મુજબનો ગણાવ્યો હતો. પરંતુ એ જણાવ્યું નથી કે કોર્ટે આના સંદર્ભે ક્યારે અને ક્યાં મામલામાં આદેશ આપ્યો હતો. માનવાધિકાર કાર્યકર્તાએ ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતની સ્વાબી જિલ્લા પરિષદ તરફથી આ પ્રસ્તાવને પારીત કરવા મામલે ટીકા કરી છે.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં ખ્રિસ્તી અને હિંદુ મોટા લઘુમતી સમુદાયો છે. તેમની વસ્તી પાકિસ્તાનની કુલ જનસંખ્યાના લગભગ 1.6-1.6 ટકા જેટલી છે. સ્વાબી જિલ્લા પરિષદના પ્રસ્તાવની ઘટના દર્શાવે છે કે ઈમરાન ખાન પોતાના સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં પરિવર્તનોના મોટામોટા દાવા કરી રહ્યા છે. પરંતુ તેમની જ પાર્ટીએ એવો પ્રસ્તાવ પારીત કર્યો છે કે લઘુમતીઓ સાથે પાકિસ્તાનની સરકારના બેવડા વલણો બેનકાબ થાય છે.