– સમગ્ર વિશ્વમાં અત્યારસુધી 2 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત
– અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ કેસમાં ભારત ત્રીજા ક્રમાંકે
– 20 થી 50 વર્ષની વયના લોકો દ્વારા સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ યથાવત્ છે. અત્યારસુધી સમગ્ર વિશ્વમાં 2 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. યુરોપના કેટલાક દેશોમાં સંક્રમણ ઓછુ ફેલાયું છે. અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધુ કેસમાં ભારત ત્રીજા ક્રમાંકે છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ એક મહત્વની જાણકારી આપી છે.
કોરોના વાયરસની મહામારી વિશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રીજનલ ડાયરેક્ટર તકેશ કસાઇએ કહ્યું હતું કે, 20, 30 અને 40 વર્ષની વય ધરાવતા લોકો દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. તેમાંથી મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેઓ કોરોના સંક્રમિત છે.
ખાસ કરીને 20 થી 50 વર્ષની વય ધરાવતા લોકો દ્વારા ફેલાઇ રહેલો વાયરસ અન્ય લોકો માટે ઘાતક સાબિત થઇ રહ્યો છે. લાંબા સમયથી બિમાર, ભીડભાડ ધરાવતા વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ તેમજ વૃદ્વ લોકો માટે આ વાયરસ મોટી સમસ્યાઓનું સર્જન કરી શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ઓસ્ટ્રેલિયા, ફિલિપીંસ અને જાપાન જેવા દેશોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. આ લોકોમાં વાયરસના સૌથી વધુ લક્ષણ જોવા મળે છે અથવા લક્ષણો જોવા મળતા નથી. આ જ કારણે આ લોકો જાણતા અજાણતા એકબીજા સુધી ફેલાવી રહ્યા છે.
પશ્વિમ પ્રશાંતના દેશોમાં આ મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ત્યાંની સરકારે હેલ્થ કેર સિસ્ટમમાં સુધારો અને લોકોના આરોગ્ય સાથે જોડાયેલી આદતોને સુધારવા માટે સતત પ્રયાસરત રહેવું જોઇએ.
મહત્વનું છે કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અનેક દેશોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું પરંતુ અર્થતંત્રને ફરીથી પાટે લાવવા માટે અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. જો કે લોકો બહાર જવા સમયે માસ્ક અનિવાર્યપણે પહેરે અને વારંવાર હાથ ધોવે જેવી તકેદારી રાખવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ અનુરોધ કર્યો હતો.
(સંકેત)