– સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે
– લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી વિકસી હોવાની ચર્ચા
– વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હર્ડ ઇમ્યૂનિટીનો દાવો ફગાવ્યો
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે તેના કારણે લોકોમાં હર્ડ ઇમ્યૂનિટિનો વિકાસ થઇ ગયો છે તેવી ચર્ચા થઇ રહી છે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આવા કોઇપણ પ્રકારના દાવાને ફગાવતા કહ્યું કે વિશ્વમાં હજુ પણ ક્યાંય કોરોના વાયરસ સામે હર્ડ ઇમ્યૂનિટિ ઉત્પન્ન થવા જેવી સ્થિતિમાં નથી.
હર્ડ ઇમ્યૂનિટિ વિશેષ રીતે વેક્સિનેશનના માધ્યમથી હાંસલ કરવામાં આવે છે તેવું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે. મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાયરસના પ્રસારને રોકવા માટે ઓછામાં ઓછું 70 ટકા વસતીમાં ઘાતક વાયરસને મ્હાત આપનારી એન્ટિબોડીઝ હોવી જોઇએ. જો કે કેટલાક નિષ્ણાતોના મતે જો અડધી વસતીમાં પણ કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ હોય તો એક રક્ષાત્મક પ્રભાવ ઉત્પન્ન થઇ શકે છે.
કોરોના વાયરસની વેક્સિન સાથે વ્યાપક રસીકરણના ઉદેશ્ય સાથે વિશ્વની 50 ટકાથી વધારે વસતીને તેના હેઠળ લાવવી પડશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડૉ માઇકલ રેયાને જણાવ્યું કે આપણે હર્ડ ઇમ્યૂનિટિ હાંસલ કરવાની આશામાં રહેવું જોઇએ નહીં. વૈશ્વિ આબાદીના રૂપમાં હજુ પણ આપણે તે સ્થિતિની આસપાસ નથી જે વાયરસના પ્રસારને રોકવા માટે આવશ્યક છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુમાં ઉમેર્યું હતું કે હર્ડ ઇમ્યૂનિટીનું કોઇ સમાધાન નથી અને કોઇ એવા વૈકલ્પિક સમાધાન પણ નથી જેની તરફ આગળ વધી શકાય. રિસર્ચ અનુસાર માત્ર 10 થી 20 ટકા વસતીમાં જ સંબંધિત એન્ટિબોડીઝ છે જે લોકોને હર્ડ ઇમ્યૂનિટીની ઉભી કરવામાં મદદરૂપ થઇ શકે છે.
(સંકેત)