બિકાનેર લેન્ડ ડીલ : સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની ઈડી દ્વારા પૂછપરછ, પ્રિયંકા અને માતા મૌરીન સાથે પહોંચ્યા એજન્સીની ઓફિસે
લંડનમાં બેનામી મિલ્કતોને લઈને તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની હવે ઈડી દુબઈમાં વિલાના મામલે પૂછપરછ કરે તેવી શક્યતા છે. તપાસ ટીમ દુબઈમાં 14 કરોડ રૂપિયાની કિંમતની આ મિલ્કતમાં વાડ્રાની ભૂમિકાને લઈને સવાલ પૂછશે. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની બિકાનેર જમીન સોદાના મામલે પણ લાંબી પૂછપરછ હાથ ધરાઈ છે.
રાજસ્થાનની બહુચર્ચિત બિકાનેર લેન્ડ ડીલના મામલામાં તપાસ સંદર્ભે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની સાથે પૂછપરછ થઈ રહી છે. મંગળવારે સવારે વાડ્રા પોતાના માતા મૌરીન વાડ્રાની સાથે જયપુર ખાતે ઈડીના કાર્યાલયમાં પહોંચ્યા હતા. તે વખતે તેમની સાથે પ્રિયંકા વાડ્રા પણ હાજર હતા. પ્રિયંકા વાડ્રા ઈડીના કાર્યાલયની બહાર પહોંચ્યા ત્યારે અહીં ઉપસ્થિત તેમના ટેકેદારોએ પ્રિયંકા ગાંધી જિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા.
ઈડી રોબર્ટ વાડ્રાની લંડનમાં તેમની કથિત મિલ્કતોને લઈને લાંબી પૂછપરછ કરી ચુક્યું છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિની ઈડી દ્વારા મંગળવારે ફરીથી લાંબી પૂછપરછની શક્યતા છે અને તેમની લંડન બાદ દુબાઈમાં ખરીદવામાં આવેલી 1 કરોડ રૂપિયાની મિલ્કત સાથે જોડાયેલા સવાલ પર પૂછપરછની સંભાવના છે.
મની લોન્ડ્રિંગ અને બેનામી ટ્રાન્ઝેક્શન દ્વારા વિદેશોમાં મિલ્કતો ખરીદવાના આરોપી વાડ્રાની મુશ્કેલીઓ હાલ ઓછી થતી દેખાઈ રહી નથી. દુબઈમાં આલીશાન વિલાને લઈને હવે તેમની સઘન પૂછપરછની સંભાવના હોવાનું સૂત્રોનું કહેવું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી પણ ઈડી ઓફિસ સુધી તેમની સાથે ગયા હતા. મહત્વપૂર્ણ છે કે પ્રિયંકા ગાંધી દિલ્હીની ઈડી ઓફિસ ખાતે પણ પોતાના પતિ સાથે જઈ ચુક્યા છે. સૂત્રોનું કહેવું છે કે વાડ્રાની લંડનમાં 12 અલર્ટન હાઉસમાં 26 કરોડના ફ્લેટ મામલે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને હવે દુબઈની ઈ-7 જુમૈરાહમાં 14 કરોડની કિંમતની વિલા સંદર્ભે તેમની પછપરછ કરવામાં આવશે. ઈડી વાડ્રાની આ સંપત્તિની ખરીદીમાં તેમની ભૂમિકાને ળઈને પૂછપરછ કરે તેવી શક્યતા છે. સ્કાઈલાઈટ ઈન્વેસ્ટમેન્ટમાં ઘણાં મોટા એમાઉન્ટમાં રોકડ જમા કરાવવાને લઈને પણ વાડ્રાની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોનું કહેવું છે કે સ્કાઈલાઈટના નામ સાથે મળતી સ્ટ્રાઈકિંગ કંપનીને લઈને વાડ્રાની પૂછપરછ કરવામાં આવશે. ભારતમાં વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના નામથી રજિસ્ટર્ડ છે. ઈડી મળતા નામની દુબાઈની આ કંપનીને લઈને તેમને સવાલ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં વાડ્રાની કંપની પર રાજસ્થાનના બિકાનેર અને ગુડગાંવમાં ખોટી રીતે જમીન ખરીદવાનો આરોપ છે. રાજસ્થાન હાઈકોર્ટે વાડ્રા અને તેમની માતાને આ કેસમાં તપાસ માટે રજૂ થવાનો આદેશ આપ્યો છે. ઈડીની ટીમ રાજસ્થાનમાં જમીન ખરીદીને લઈને વાડ્રાને સવાલ કરવાની હતી.
અંગ્રેજી અખબારે સૂત્રોને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે વાડ્રાની સી. સી. થંપી સાથેના તેમના સંબંધોના મામલે પૂછપરછ કરવામાં આવી છે. સ્કાઈલાઈટ ઈન્વેસ્ટમેન્ટ એફઝેડઈ નામની કંપનીના શેયરહોલ્ડર આ શખ્સ પર તપાસ ટીમને નકલી કંપની ચલાવવાનો શક છે. તપાસ ટીમને એવો પણ અંદેશો છે કે વાડ્રાની કંપનીની સાથે પણ આનો સંબંધ છે. આ કંપની દ્વારા લંડનમાં મિલ્કત બનાવવાનો આરોપ છે. આર્મ્સ ડીલર સંજય ભંડારીની ફર્મ દ્વારા જૂન-2010માં તેની કંપની દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તપાસ પ્રક્રિયા સાથે જોડાયેલા ખાસ વ્યક્તિને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્કાઈલાઈટ ઈન્વેસ્ટમેન્ટ એફઝેડઈ, દુબાઈની સાથે પોતાની કંપનીના કોઈક પ્રકારના સંબંધ હોવાનો વાડ્રાએ ઈન્કાર કર્યો છે. જો કે તપાસ ટીમ વાડ્રાના જવાબથી બિલકુલ સંતુષ્ટ નથી અને તેમને ફરી સવાલ પુછાતા વાડ્રા ઘણાં નારાજ થઈ ગયા હોવાનું પણ માનવામાં આવે છે.