- મની લોન્ડરિંગ કેસ
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ સામે ચાર્જશીટ દાખલ કરી
- પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી
મુંબઇ: મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ICICI બેંકના પૂર્વ સીઇઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર તથા વીડિયોકોન ગ્રૂપના પ્રમોટર વેણુગોપાલ ધૂત સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.
સૂત્રોનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇની સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને કોર્ટે અત્યારસુધી ચાર્જશીટની નોંધ લીધી નથી.
આપને જણાવી દઇએ કે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ સપ્ટેમ્બરમાં દિપક કોચરની ધરપકડ કરી હતી. સીબીઆઇ દ્વારા ચંદા કોચર, દિપક કોચર અને વેણુગોપાલ ધૂત તથા અન્ય વિરુદ્વ દાખલ કરવામાં આવેલી FIRનો અભ્યાસ કર્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.
મહત્વનું છે કે વીડિયોકોન ગ્રૂપ ઓફ કંપનીઝને ગેરકાયદેસર રીતે 1875 કરોડ રૂપિયાની લોન આપવા બદલ ઇડીએ કોચર તેમજ તેમના બિઝનેસ એકમો સામે મની લોન્ડરિંગના આરોપો દાખલ કર્યા હતા.
(સંકેત)