- કોરોના વાયરસની વેક્સીન અંગે સકારાત્મક સમાચાર
- મોડર્નાએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે કરી અરજી
- મોડર્ના વેક્સીન 21 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ બની શકે
વોશિંગ્ટન: કોરોના વાયરસની વેક્સીન અંગે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. દવા નિર્માતા મોડર્નાએ કહ્યું છે કે તેણે પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે સોમવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સમક્ષ અરજી કરી છે. જો આ પ્રક્રિયા કોઇપણ અવરોધ વગર પૂરી થઇ જશે અને જો મંજૂરી મળી જશે તો પ્રથમ ઇન્જેક્શન્સ 21 ડિસેમ્બર સુધીમાં આવી જશે. કંપનીના મુખ્ય કાર્યકારી સ્ટેફાન બાન્સેલે આ જાણકારી આપી હતી.
Update: Moderna’s data for the Emergency Use Authorization request for mRNA-1273 has been submitted to the U.S. FDA.
— Moderna (@moderna_tx) November 30, 2020
પ્રાપ્ત વિગતો અનુસાર, મોડર્નાએ દાવો કર્યો હતો કે તેની વેક્સીન 94 ટકા કારગર છે અને વેક્સીન કેટલી કારગર છે તેના માટે જરૂરી વૈજ્ઞાનિક માપદંડ પ્રમાણે 30000 લોકો પર તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. 16 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર વેક્સીન 94.5 ટકા જેટલી અસરકારક છે.
નવા ડેટા અનુસાર કોરોના વાયરસના ચેપને ગંભીર બનાવતો અટકાવવામાં આ વેક્સીન 100 ટકા અસરકારક જોવા મળી હતી. આ વેક્સીન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ ખાતેના વેક્સીન રિસર્ચ સેન્ટરના સરકારી સંશોધકો સાથે મળીને તૈયાર કરવામાં આવી છે.
બાન્સેલે જણાવ્યું હતું કે કંપની ડિસેમ્બરના અંત સુધીમાં 20 મિલિયન ડોઝ તૈયાર કરવા સક્ષમ છે અને વર્ષ 2021માં તે 500 મિલિયનથી એક બિલિયન ડોઝ તૈયાર કરી શકશે. એક વ્યક્તિને બે ડોઝની જરૂર પડશે તેથી 10 મિલિયન લોકો માટે 20 મિલિયન ડોઝ પૂરતા રહેશે.
મહત્વનું છે કે, મોડર્ના બીજી એવી કંપની છે જેણે વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે. અગાઉ ફાઇઝરે 20 નવેમ્બરે અરજી કરી હતી. ફાઇઝરે કહ્યું હતું કે તે આ વર્ષે 50 મિલિયન ડોઝ તૈયાર કરી શકે છે. જેમાંથી અડધી અમેરિકાને મળશે.
(સંકેત)