- અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યાની માહિતી આવી સામે
- રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી
- રિલાયન્સ કેપિટલે HDFCનું 4.77 કરોડનું વ્યાજ અને Axis બેંકનું 71 કરોડનું વ્યાજ ચૂકવવાનું બાકી
મુંબઇ: માથાડુબ દેવામાં ડૂબેલા રિલાયન્સના અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે. રિલાયન્સ કેપિટલે HDFC અને Axis બેંક પાસેથી લીધેલી લોનની પરત ભરપાઇ કરી નથી એવી માહિતી બહાર આવી છે. કંપનીએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રિબ્યુનલે અમારી એસેટ્સ વેચવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી અમે લોનના હપ્તા ભરી શકતા નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી હતી. સોમવારે કંપનીએ આ બાબતની જાણ શેરબજારને કરી દીધી હતી. ચાલુ વર્ષના ઑક્ટોબરની 31મી સુધીમાં રિલાયન્સ કેપિટલે HDFCનું 4.77 કરોડનું વ્યાજ અને Axis બેંકનું 71 કરોડનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું. જો કે મૂળ રકમ ચૂકવાઇ ગઇ હોવાનો દાવો પણ રિલાયન્સ કેપિટલે કર્યો હતો.
નોંધનીય છે કે અનિલ અંબાણી સમૂહે યસ બેંકના 2,892 કરોડ રૂપિયાની ચૂકવણી ના કરતા બેંકે કંપનીના સાંતાક્રૂઝ સ્થિત ઓફિસને પોતાના કબ્જામાં લીધી હતી. આ ઓફિસ 21,432 વર્ગ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલી છે. યસ બેંકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પરત ભરપાઇ ના કરાતા દક્ષિણ મુંબઇમાં આવેલા બે ફ્લેટને પણ પોતાના કબ્જામાં લીધા છે.
(સંકેત)