પુલવામાના પિંગલેના ગામમાં ચાલી રહેલી અથડામણમાં ગાઝી રાશિદ, કામરાન સહીત કુલ ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જો કે આ અથડામણમાં અત્યાર સુધીમાં એક મેજર સહીત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ચુક્યા છે.
સાઉથ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રિથી ચાલી રહેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીઆઈજી અમિત કુમાર ઘાયલ થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રે બાર વાગ્યાથી ચાલી રહેલી અથડામણમાં ડીઆઈજી અમિત કુમાર, ભારતીય સેનાના એક લેફ્ટિનેન્ટ કર્નલ અને અન્ય ત્રણ સૈન્યકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે. પિંગલેના ગામમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને પેરા ફોર્સિસની ટુકડી સાથે આતંકવાદીઓની અથડામણ હજીપણ ચાલી રહી છે.
જાણકારી પ્રમાણે, પુલવામામાં થયેલા આ ઓપરેશન દરમિયાન પિંગલેના ગામમાં હિસા થઈ છે. તેને જોતા આખા વિસ્તારમાં સીઆરપીએફની ઘણી ટુકડીઓને તેનાત કરવામાં આવી છે. આતંકવાદીની સાથે થઈ રહેલી અથડામણમાં સવારે જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડરોને ઠાર કરવામાં આવ્યા હતા. જેમા જૈશ-એ-મોહમ્મદના ગાજી રાશિદ અને કામરાન ઠાર થયા હોવાના અહેવાલ છે. રવિવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સેનાના એક મેજર અને ચાર જવાનો શહીદ થયા હતા. અથડામણ દરમિયાન આ વિસ્તારમાં સેના અને પોલીસની ઘણી ટુકડીઓને સોમવારે બપોરે તેનાત કરવામાં આવી હતી. બપોર બાદ આ ઓપરેશનમાં એસએસપી પુલવામા, ડીઆઈજી સાઉથ કાશ્મીર સહીતના સીઆરપીએફ અને સેનાના ઘણાં અધિકારીઓ પણ સામેલ થયા હતા.
ક્રોસ ફાયરિંગમાં ડીઆઈજી અમિત કુમારને પગમા ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક ઉપચાર બાદ તેમને ચોપર દ્વારા વધુ સારવાર માટે દિલ્હી મોકલવાની તૈયારીઓ કરવામાં આવી હતી
સૂત્રો મુજબ, પિંગલેના ગામમાં સવારથી જ સતત થોડી-થોડી વારે પથ્થરમારો થઈ રહ્યો છે, તેને જોતા સીઆરપીએફની ટુકડીઓને અહીં સૈન્ય ઓપરેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તેનાત કરવામાં આવી છે. આતંકવાદીઓ સાથે અથડામણ વચ્ચે સેના સેના સતત જવાબી કાર્યવાહી કરી રહી છે.
અહેવાલો મુજબ, આ અથડામણમાં પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાના માસ્ટરમાઈન્ડ રશીદ ગાઝીને પણ ઠાર કરવામાં આવ્યો છે. પુલવામા હુમલાના ચાર દિવસ બાદથી જ સુરક્ષાદળોએ ગાઝીને ઢેર કરવામાં સફળતા મેળવી છે. અથડામણમાં વધુ એક અન્ય આતંકવાદી પણ ઠાર થયો છે. અથડામણના સ્થળેથી એક એકે-47 અને એક પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. પુલવામા અથડામણ પર પ્રતિક્રિયા આફતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે સુરક્ષાદળોનું મનોબળ ઉંચુ છે અને તેઓ આતંકવાદીઓને ઠાર કરી રહ્યા છે.
પાકિસ્તાની નાગરિક ગાઝી રાશિદ અને એક અન્ય આતંકવાદી પુલવામા હુમલા બાદ ભાગવામાં કામિયાબ રહ્યો હતો. જ્યારે એક આતંકવાદી મોહમ્મદ આદિલ ડાર આત્મઘાતી હુમલામાં માર્યો ગયો હતો. એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ગાઝી જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરના સૌથી નિકટવર્તી વર્તુળમાં સામેલ હતો. ગાઝીને યુદ્ધ તકનીક અને આઈઈડી બનાવવાની તાલીમા તાલિબાનો પાસેથી મળી છે અને તે આ કામ માટે જૈશ-એ-મોહમ્મદનો સૌથી વધુ ભરોસાપાત્ર આતંકી હતો. ગાઝી રાશિદ પુલવામા એટેકનો મુખ્ય ષડયંત્રકારી હતો. હવે સુરક્ષાદળોએ ચાર દિવસ બાદ જ પુલવામા આત્મઘાતી હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝીને ઠાર કરવામાં સફળતા મેળવી છે.