- દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા
- નારાયણ સાંઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી અપાયા વચગાળાના જામીન
- જેલમાંથી બહાર આવ્યા બાદ લોકોને ભીડભાડ ના કરવા કરી અપીલ
સુરત: દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી તેને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. આજે નારાયણ સાંઇ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાં તેણે લોકોને ભીડ ના કરવા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મના ગુનામાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જેલમાંથી મુક્ત કરવા માટે 14 દિવસના ફર્લો જામીન મંજૂર કર્યા છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણ સાંઇના ફર્લો મંજૂર કર્યા છે.
આપને જણાવી દઇએ કે ડિસેમ્બર 2013માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઇની ધરપકડ થયા બાદ તે પ્રથમવાર જેલની બહાર આવ્યો છે. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાની સાથે જ નારાયણ સાંઇને લઇને અમદાવાદ પોલીસ રવાના થઇ છે.
નારાયણ સાંઈએ જેલમાંથી બહાર આવી જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું. માતાની તબિયત માટે જામીન મળતા કોર્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. લોકોને આગ્રહ છે કે, વધુ ભીડભાડ ના કરે અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે. કોવિડના નિયમોનું પાલન કરે તેવો હું લોકોને આગ્રહ કરું છું.
(સંકેત)