- ભારત બંધનું એલાન સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી
- કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક સુરક્ષા-શાંતિ બનાવી રાખવાનો આપ્યો નિર્દેશ
- કોરોનાના નિયમોનું પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે બાબતનું ધ્યાન રાખવા નિર્દેશ
કૃષિ કાયદાના વિરોધમાં આજે 8 ડિસેમ્બરે ખેડૂતોનું ભારત બંધ છે. ખેડૂતોના ભારત બંધને અનેક વિરોધી પક્ષ અને સંગઠનનું સમર્થન પ્રાપ્ત થયું છે. ખેડૂત સંગઠનોએ જનતાને પણ તેમાં જોડાવવા માટે અપીલ કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક સુરક્ષા અને શાંતિ બનાવી રાખવા માટે જણાવ્યું છે. નિર્દેશ મુજબ કોરોનાના નિયમોનું પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે બાબતનું ધ્યાન રાખવા જણાવ્યું છે. કોઇ અપ્રિય ઘટના ના બને તે માટે અધિકારીઓને યોગ્ય પગલા ભરવાની સૂચના અપાઇ છે.
બંધની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર સહિત પંજાબ, રાજસ્થાન, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, ઝારખંડ અને દિલ્હીમાં જોવા મળી શકે છે. બંધનું એલાન સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બંધને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરાઇ છે અને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દેખાડો કરવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કોઇ બંધ રહેશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.
શું-શું બંધ રહી શકે છે
દિલ્હીથી અન્ય રાજ્યમાં જનારા મોટાભાગના રસ્તાઓ બંધ મળી શકે છે. કેબ સર્વિસ પણ નહીં મળે. આઝાદપુર મંડી સહિત દિલ્હીના બજારોમાં કામકાજ નહીં થાય. શાકભાજીના વિતરણમાં ખલેલ પડી શખે છે. વેપારી સંગઠન કૈટે જણાવ્યું છે કે દેશ અને દિલ્હીના બજારો ખુલ્લા રહેશે. ગુરુગ્રામમાં પેટ્રોલ પંપ બંધ રાખવા સંબંધિત નિર્ણય સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે.
ભારત બંધને ધ્યાનમાં રાખીને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ઘરણાના સ્થળ પર ફ્લાયઓવર ઉપર અને નીચે ગાઝીયાબાદથી દિલ્હી તરફ જતા રસ્તા પર 2થી 4 લેયરમાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. જેમાંથી એક બેરિકેડ 3 ફૂટ ઊંચા પથ્થરોના પણ છે. ફ્વાયઓવરની નીચે રસ્તા પર 4 લેયર અને ફ્લાયઓવર પર 2 લેયરમાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. આ બેરિકેડ્સ ખેડૂતોનો રસ્તો રોકવામાં મદદ કરશે.
નોંધનીય છે કે વેપારીઓનું સંગઠન અને ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને ટ્રાન્સપોર્ટરોના સંગઠન ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટસ વેલફેર એસોસિએશનના ખેડૂત સંગઠનો દ્વારા મંગળવારે બોલાવવામાં આવેલા ભારત બંધથી અલગ રહેવાની જાહેરાત કરાઇ છે.
(સંકેત)