- ભારત બંધ બાદ આજે ખેડૂતો-સરકાર વચ્ચે યોજાનારી બેઠક ટળી
- હવે ખેડૂત-સરકાર વચ્ચે બેઠક ગુરુવારે યોજાય તેવી સંભાવના
- સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે ખેડૂત સંગઠનોની સિંધુ બોર્ડર પર બેઠક
નવી દિલ્હી: ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બેઠક થવાની હતી જે હવે ટળી છે. બંને પક્ષો વચ્ચે હવે ગુરુવારે વાતચીત થઇ શકે છે. આ બધા વચ્ચે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 14માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર હજુ પણ ધરણા ધરીને બેઠા છે. આ જ કારણોસર હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી દિલ્હીની બોર્ડરો બંધ રહેશે.
કૃષિ કાયદા વિરુદ્વ ભારત બંધ અને પ્રદર્શન વચ્ચે મંગળવારે મોડી સાંજે મોટો વળાંક જોવા મળ્યો હતો જ્યારે અચાનક કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે 13 ખેડૂત નેતાઓની બેઠકની ખબર આવી. ખેડૂત નેતાઓમાંથી 8 પંજાબથી હતા અને 5 દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા હતા. બેઠક બાદ પણ કોઇ નિષ્કર્ષ આવી શક્યું નહીં.
ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ જે સૌથી મહત્વપૂર્ણ વાત સામે આવી તે મુજબ સરકાર નવા 3 કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે તૈયાર નથી. ખેડૂતોની માંગણી મુજબ સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે. સરકાર ખેડૂતોને આજે પોતાનો પ્રસ્તાવ મોકલશે.
નોંધનીય છે કે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે ખેડૂત સંગઠનોની સિંધુ બોર્ડર પર બેઠક થશે. જેમાં આંદોલનની આગળની રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. 40 ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો નિર્ણય કરશે કે સરકાર સાથે આગળની વાર્તા થશે કે નહીં.
(સંકેત)