અમદાવાદમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ, મોટી દૂર્ઘટના ટળી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં આગની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન સિલેન્ડરના મીટરમાં સામાન્ય આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર શહેરના મણિનગર વિસ્તારમાં એક કોવિડ હોસ્પિટલમાં અચાનક આગ લાગતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઓક્સિજન સિલેન્ડરના મીટરમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ગણતરીની મીનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલમાં હાલ કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.